રાજકોટ : 22 માર્ચ
રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે ગઈકાલે સાંજે ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગટરના મેનહોલમાં ખાબકેલો શ્રમિક મેહુલ મેસડા ગેસ ગળતરથી બેભાન થઇ ગયો હતો, તેને બચાવવા દોડેલા કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફર પણ ગેસ ગળતરનો ભોગ બન્યા હતા અને બંનેનાં સ્થળ પર જ મૃત્યુ થયાં હતાં. બાદમાં બન્નેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે અહીં કોન્ટ્રાક્ટરની લાશ તેમના પરિવારે સ્વીકારી લીધી હતી. પરંતુ શ્રમિકની લાશ હજુ સુધી તેમના પરિવારે સ્વીકારી નથી. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં જ ધરણાં પર બેસી રામધૂન બોલાવી હતી.
પરિવારની માગ છે કે, જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશ સ્વીકારીશું નહીં. કોર્પોરેશન કચેરીમાં મૃતદેહ મૂકી રામધૂન બોલાવવાની ચીમકી ઉચ્ચારી છે. આથી સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ડીસીપી સુધીરકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, પરિવારજનોની માગણીઓ અંગે વિચાર ચાલી રહ્યો છે. પરિવારજનોને કાયદાકીય જે કઈ સલાહની જરૂર પડે તે આપીશું. કાયદાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દબાણને વશ થઈને ભૂગર્ભ ગટરમાં ઊતરવું પડે છે
વાલ્મીકિ સમાજના અગ્રણી બટુકભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, આ કોન્ટ્રાક્ટ પ્રથા સામે અમે છેલ્લાં 20 વર્ષથી લડીએ છીએ. આજે દુઃખની વાત એવી છે કે, દેશ આઝાદ થયાનાં 75 વર્ષ પછી અમારા સમાજના સફાઇ કામદારોને 3-4 હજારના નજીવા વેતનમાં ભૂગર્ભ ગટરનાં કામો કરવાં પડે છે. દબાણને વશ થઈને ભૂગર્ભ ગટરમાં ઊતરવું પડે છે અને જીવ ગુમાવવા પડે છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટની ગાઇડલાઇન છે કે, ભૂગર્ભ ગટરમાં ન ઊતરી મશીનથી સફાઇ કરવી. પરંતુ આ ઘટનામાં સફાઇ કામદારને ભૂગર્ભ ગટરમાં ઉતારવા મજબૂર કરવામાં આવ્યો છે અને જીવ ગુમાવવો પડ્યો છે.