ખેડા/નડિઆદ:દુબઈ અને અબુધાબીમાં અચાનક સર્જાયેલી અશાંતિ અને ભયાનક વિસ્ફોટો વચ્ચે ફસાયેલા 200થી વધુ ગુજરાતી યાત્રિકો માટે આખરે વિજયાદશમી જેવો માહોલ સર્જાયો છે. રવિવારે આ તમામ યાત્રિકો હેમખેમ નડિઆદ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પરત ફર્યા ત્યારે પરિવારજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

ભયાનક અનુભવ: આંખ સામે બોમ્બ ધડાકા અને ધુમાડો
પરત ફરેલા યાત્રિકોએ જણાવ્યું હતું કે ત્યાંનો માહોલ અત્યંત ભયજનક હતો. સતત થતા બોમ્બ ધડાકાના અવાજ અને આકાશમાં ઉડતા ધુમાડાના ગોટેગોટા જોઈને બાળકો અને મહિલાઓ સહિત તમામ યાત્રિકો ફફડી ઉઠ્યા હતા. સ્પેશિયલ વિમાન મારફતે વતન પરત ફરેલા મુસાફરોએ સરકાર અને સંસ્થાઓનો આભાર માન્યો હતો.

સેવા અને સંકલનનો સમન્વય
આ વિકટ પરિસ્થિતિમાં યોગી ઓવરસીઝ, BAPS સ્વામિનારાયણ મંદિર મેનેજમેન્ટે સંકલન સાધીને યાત્રિકોને એર અરેબિયાના ખાસ વિમાન દ્વારા શારજાહથી મુંબઈ લાવવાની વ્યવસ્થા કરી હતી. મુંબઈથી લક્ઝરી બસો દ્વારા સુરક્ષિત રીતે નડિઆદ BAPS મંદિર લાવવામાં આવતા જ ભક્તોએ ‘સ્વામિનારાયણ’ ના નાદ સાથે આકાશી સુખનો અનુભવ કર્યો હતો.
સાંસદ મિતેષ પટેલની સક્રિયતા: વિદેશ મંત્રાલય સાથે સતત સંકલન
આ સમગ્ર બચાવ કામગીરીમાં આણંદ જિલ્લાના લોકપ્રિય સાંસદ મિતેષભાઈ પટેલે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. ગલ્ફ દેશોમાં અંદાજિત 380 જેટલા નાગરિકો ફસાયેલા હોવાની વિગતો મળતા જ, સાંસદ મિતેષ પટેલે તાત્કાલિક ભારત સરકારના વિદેશ મંત્રાલય (MEA) સાથે સતત સંપર્ક સાધ્યો હતો.

તેમણે માત્ર દિલ્હી સ્તરે રજૂઆત કરી એટલું જ નહીં, પરંતુ ફસાયેલા નાગરિકો અને તેમના ચિંતિત પરિવારજનો સાથે સતત ટેલિફોનિક સંપર્ક જાળવી રાખી તેમને હિંમત આપી હતી. આ 200 યાત્રિકોને પરત લાવવા માટે પણ સાંસદ મિતેશ પટેલે સરકાર સાથે મજબૂત સંકલ્પ સાધી જરૂરી મંજૂરીઓ અને વ્યવસ્થાઓ ઝડપી બનાવી હતી.
સાંસદ મિતેષ પટેલ હજુ પણ બાકી રહેલા અન્ય નાગરિકોને સુરક્ષિત લાવવા માટે વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને કામગીરી કરી રહ્યા છે, જે તેમના પ્રજા પ્રત્યેના સેવાભાવનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.




















