આણંદ : 23 નવેમ્બર
જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના શાસનમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. રાજ્યનો સર્વાંગી વિકાસ ભાજપ જ કરી શકે છે. ભાજપે હંમેશા કોઈપણ ભેદભાવ વિના તમામ વર્ગના હિત માટે કામ કર્યું છે….લગભગ ત્રણ દાયકાઓથી ગુજરાતમાં શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી (BJP)એ શનિવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે તેનું સંકલ્પ પત્ર (ઘોષણાપત્ર) બહાર પાડ્યું હતું. આ મેનિફેસ્ટો દ્વારા ભાજપે દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. જેપી નડ્ડાએ કહ્યું કે ભાજપના શાસનમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સતત વિકાસ કરી રહ્યું છે. રાજ્યનો સર્વાંગી વિકાસ ભાજપ જ કરી શકે છે. ભાજપે હંમેશા કોઈપણ ભેદભાવ વિના તમામ વર્ગના હિત માટે કામ કર્યું છે.
ગુજરાત કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ ₹10,000 કરોડ નું રોકાણ કરીશું, જે કૃષિ વિકાસ માટે એક સર્વગ્રાહી વ્યવસ્થાને (APMCs, ખેડૂત મંડળીઓ, વર્ગીકરણ-ગ્રેડિંગ યુનિટ્સ, કોલ્ડ ચેન, વેરહાઉસ, પ્રાઈમરી પ્રોસેસિંગ યુનિટ્સ વગેરેનું આધુનિકીકરણ અને નિર્માણ દ્વારા) મજબૂત કરાશે.
₹25,000 કરોડ ના ખર્ચે સમગ્ર ગુજરાતમાં સુજલામ સુફલામ, SAUNI, લિફ્ટ ઇરિગેશન, સૂક્ષ્મ સિંચાઈ, ટપક સિંચાઈ અને અન્ય પદ્ધતિથી થતાં કૃષિ સિંચાઈના વર્તમાન નેટવર્કનું વિસ્તરણ કરીશું.
પશુધનની સર્વગ્રાહી કાળજી સુનિશ્ચિત કરવા માટે ગૌશાળાઓને માળખાગત રીતે મજબૂત (₹500 કરોડનું વધારાનું બજેટ), 1000 વધારાના મોબાઇલ વેટરનરી યુનિટ્સની રચના અને દરેક પશુધન માટે રસીકરણ તેમજ વીમાની ખાતરી કરાશે.
દેશના પહેલા બ્લૂ ઈકોનોમી ઈન્ડસ્ટ્રિયલ કોરિડોરનું નિર્માણ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર એમ 2 સી-ફૂડ પાર્કને કાર્યાન્વિત કરી અને મત્સ્યોદ્યોગ માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (જેવા કે જેટી, કોલ્ડ સપ્લાય ચેન અને બોટના મેકેનાઈઝેશનની સુવિધા)ને વધુ મજબૂત કરીશું.
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત) હેઠળ નિઃશુલ્ક તબીબી સારવારની ખાતરી સાથે કુટુંબ દીઠ વાર્ષિક સારવાર માટેની મહત્તમ મર્યાદાને ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરીશું.
‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ’ થકી EWS પરિવારોને તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને એમ્પેનલ્ડ લેબોરેટરીમાં નિ:શુલ્ક નિદાન ઉપલબ્ધ થાય તે માટે ₹110 કરોડના ભંડોળનું નિર્માણ કરીશું.
₹10,000 કરોડના ભંડોળથી ‘મહારાજા શ્રી ભગવતસિંહજી સ્વાસ્થ્ય કોષ’નું નિર્માણ કરીશું, જેનાથી 3 નવી વર્લ્ડ ક્લાસ સિવિલ મેડિસિટી, 2 AIIMS સ્તરની હોસ્પિટલ અને હાલની તમામ સ્વાસ્થ્ય સુવિધાઓ (હોસ્પિટલ PHCs-CHCs)ને અપગ્રેડ કરીશું.
મિશન સ્કૂલ ઑફ એક્સેલન્સ હેઠળ ₹10,000 કરોડના ખર્ચે આગામી 5 વર્ષમાં 20,000 શાળાઓને અપગ્રેડ કરીશું.
₹1,000 કરોડના ભંડોળ સાથે ‘કેશવરામ કાશીરામ શાસ્ત્રી હાયર એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન ફંડ’ની રચના કરીશું, જેની મદદથી નવી સરકારી કોલેજોનું નિર્માણ કરાશે અને હાલની કોલેજ-યુનિવર્સિટીઓને અદ્યતન સુવિધાથી સજ્જ કરવામાં આવશે.
ગુજરાતના યુવાનોને આગામી 5 વર્ષમાં 20 લાખ રોજગારીની તકો પ્રદાન કરીશું.
ગ્રીન એનર્જી, સેમિકન્ડક્ટર્સ, ફિનટેક અને એરોસ્પેસ જેવા ક્ષેત્રોમાં સેન્ટર ઑફ એકસેલન્સ તરીકે IITના તર્જ પર 4 ‘ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી’ની સ્થાપના કરીશું.
વર્ષ 2036માં ઑલિમ્પિક ગેમ્સની યજમાની કરવાના ઉદ્દેશ્ય સાથે વિશ્વ કક્ષાનું રમત-ગમતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા ગુજરાત ઑલિમ્પિક મિશન શરૂ કરીશું.
‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ના 100% અમલીકરણ દ્વારા ગુજરાતના દરેક નાગરિકને પોતાનું પાકું ઘર મળે તેવું સુનિશ્ચિત કરીશું.
‘ફેમિલી કાર્ડ યોજના’ના માધ્યમથી દરેક પરિવારને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તમામ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાનું સુગમ બનાવીશું.
PDS સિસ્ટમના માધ્યમથી દર મહિને 1 કિલો ચણા અને વર્ષમાં ચાર વખત 1 લીટર ખાદ્ય તેલ આપીશું.




















