પંચમહાલ : 21 એપ્રિલ
ગુજરાતના મહેમાન બનેલા યુ. કે.ના વડાપ્રધાન બોરીસ જોન્સન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે પંચમહાલ જિલ્લામાં હાલોલ નજીક આવેલી જેસીબી કંપનીની મુલાકાત લીધી હતી. બોરિસ જોન્સને આ પ્રસંગે ભારતમાં જેસીબી કંપનીની નવીનતમ ફેકટરીનું ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે ઉપસ્થિત કર્મચારીઓ-અધિકારીઓને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ યુકેના વડાપ્રધાનની સાથે પ્લાન્ટની મુલાકાત લઈ રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને કર્મચારીઓ સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. ૧૦૦ મિલિયન પાઉન્ડના ખર્ચે ગુજરાતમાં આ ફેકટરીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં વૈશ્વિક ઉત્પાદન એકમો માટે પૂરજાઓનું નિર્માણ કરવામા આવશે. જેનાથી ૧૨૦૦ જેટલી નોકરીની સીધી તકો ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે કંપનીના સીઈઓ અને એમડી દિપક શેટ્ટીએ આ સમગ્ર પ્રોજેક્ટમાં સુંદર સહયોગ બદલ ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કૌશલ્યયુક્ત સંસાધનો, કાચા માલની ઉપલબ્ધી અને નજીકના અંતરે બંદરોની સુવિધા સહિતના પરિબળોના કારણે વડોદરા કંપનીઓ માટે વ્યૂહાત્મક લોકેશન બન્યું છે.હાલોલ ખાતે નિર્મિત જેસીબીના પ્લાન્ટમાં વિશ્વમાં આવેલ જેસીબીના વિવિધ પ્લાન્ટ માટે પાર્ટ્સ તૈયાર કરવામાં આવશે, સમગ્ર દેશમાં હાલ જેસીબી કંપનીના છ પ્લાન્ટ આવેલા છે, ત્યારે આજે હાલોલ ખાતે સાતમા પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.