નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે સાબરમતી સ્ટેશન ખાતે મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાયું છે. બુલેટ ટ્રેનની સાથે રેલવે, મેટ્રો, BRTS અને ST બસ મથકને સાંકળતો આ મલ્ટિમોડલ હબ તૈયાર થઈ ગયું છે. જ્યાં કોમર્શિયલ ઉપયોગ માટે NHSRCL એ બુધવારે બેઠક યોજી હતી. જેમાં રિટેઈલ સ્ટોર, બેન્ક અને ATM , મલ્ટિ નેશનલ કંપનીઓ, કોમર્શિયલ સાહસિકો, હોટેલ ચેઇન, એજ્યુકેશન ઈન્સ્ટિટ્યૂટ, એડવર્ટાઈઝિંગ એજન્સીઓ, માર્કેટિંગ કંપનીઓ, સ્પેસ માર્કેટિંગ કંપનીઓ, નાના મોટા ફૂડ એન્ડ બેવરેજીઝ કંપનીઓ, આઈટી કંપનીઓ, સુપર મોલ સહિત વિવિધ સેક્ટરના 45 અધિકારીઓ કે પ્રતિનિધિઓ અમદાવાદ ઉપરાંત મુંબઈ અને દિલ્હીથી હાજર રહ્યા હતા. તેમજ ઘણા પ્રતિનિધિ ઓનલાઈન જોડાયા હતા.
NHSRCL ના એડિશનલ જનરલ મેનેજર અને પ્રવક્તા સુષમા ગૌરએ જણાવ્યું કે, આ એક ટ્રાન્ઝિટ ટર્મિનલ બિલ્ડિંગ છે, જે અમદાવાદ – મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર, વેસ્ટર્ન રેલવે સ્ટેશનો, મેટ્રો સ્ટેશન અને બીઆરટીએસ કોરિડોર હેઠળ સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનને પર કનેક્ટિવિટી પૂરી પાડશે. તેની સાથે જ બિલ્ડિંગની કોમર્શિયલ ઉપયોગીતા અંગે પ્રેઝન્ટેશન બતાવ્યા બાદ પ્રતિનિધિઓ સાથે સવાલ-જવાબ અને ફિડબેક સેશન પણ થયું હતું. ત્યારબાદ તમામ પ્રતિનિધિઓને બિલ્ડિંગમાં ઉપલબ્ધ તકો શોધવા ફેરવવામાં પણ આવ્યા હતા.