Home Trending Special બિપોરજોય વાવાઝોડાને લઇ સી.આર.પાટીલની ભાજપ કાર્યકરોને સૂચના ….

બિપોરજોય વાવાઝોડાને લઇ સી.આર.પાટીલની ભાજપ કાર્યકરોને સૂચના ….

156
0

ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ વધી રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર આ વાવાઝોડાથી કોઇ જાનહાની ન થાય તે માટે પૂરી તૈયારીઓ કરી રહી છે. ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હોદ્દેદારો સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. જેમાં તેમણે બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વની સૂચનાઓ આપી હતી.

રાજ્યમાં જ્યારે બિપોરજોય વાવાઝોડામાં મોટું નુકસાન ન થાય અને તૈયારીઓમાં કોઇ પણ પ્રકારની કમી ન રહી જાય તે માટે રાજ્ય સરકારે તંત્રને પહેલાથી જ એલર્ટ કરી દીધા છે. ત્યારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં ધારાસભ્ય, સાંસદ, જિલ્લા પ્રમુખ, મહાનગરના પ્રમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ, મેયર, ડે.મેયર તેમજ પ્રદેશના અગ્રણીઓએ હાજરી આપી હતી. વર્ચ્યુઅલી બેઠકમાં બિપોરજોય વાવાઝોડાને લઇને તમામ કાર્યકરોને મેદાને ઉતરવાની તેમણે સૂચના આપી છે. બિપોરજોય વાવાઝોડા સામે એલર્ટ રહેવા સુચનો આપ્યા હતા.

હોર્ડીગ બેનરો, જોખમી દીવાલો, જોખમી વસ્તુઓને તંત્ર દ્વારા ઉતારી લેવા સુચના આપવામાં આવી હતી, ઉપરાંત વાવાઝોડાની આફત સામે અસરગ્રસ્ત વિસ્તારમાં મદદ માટે ફૂડ પેકટ, પાણી, દવા, એરલિફટીંગ સહાય, સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ, ડોકટરની ટીમો, સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં દાખલ કરવા, પશુઓને યોગ્ય જગ્યાએ પહોંચાડવા તેમજ સરકારની સુચનાનું યોગ્ય પાલન થાય તેની તકેદારી રાખી જનતાને ઓછી મુશ્કેલી પડે તે પ્રકારના કામ કરવા જણાવ્યું હતું. વળી જે વિસ્તારમાં બિપોરજોય વાવાઝોડાની અસર થવાની નથી તે વિસ્તારના સાંસદ, ધારાસભ્ય તેમજ પ્રદેશના પદાધિકારીઓને સંભવીત અસરગ્રસ્ત વિસ્તારોમાં જઇ મદદ કરવા હાંકલ કરી છે. તેમજ કુદરતી આફત સામે મદદ મેળવા જનતાની સહાય માટે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હેલ્પલાઇન નંબર 079-232 76 943 , 079- 232 76 944 તેમજ વોટ્સઅપ નંબર 63 57 23 99 64 જાહેર કરી સરકાર અને સંગઠન સાથે મળી જનતાને કુદરતી આફત સામે ઓછી મુશ્કેલી પડે તે તમામ મદદ કરવા હાંકલ કરી છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, લગભગ 7,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને કચ્છ-સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં દરિયાકાંઠાથી 10 કિમી સુધીના ગામડાઓના રહેવાસીઓને ખાલી કરાવવાની કામગીરી મંગળવારથી શરૂ થશે. પોરબંદરના 31 ગામોના આશરે 3,000 લોકોને અને દેવભૂમિ દ્વારકાના લગભગ 1,500 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 14મી જૂને સૌરાષ્ટ્ર અને કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના સાથે 15મી જૂને વરસાદની તીવ્રતા વધવાની ધારણા પણ છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પ્રદેશના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. 16 જૂનના રોજ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

કચ્છના જિલ્લા મેજિસ્ટ્રેટ અમિત અરોરાએ જણાવ્યું હતું કે, લગભગ 3,000 લોકોને, મુખ્યત્વે માછીમારો અને બંદર પર કામ કરતા મજૂરોને કંડલામાં ખસેડવામાં આવ્યા છે. દરિયા પાસેની કેટલીક ઝૂંપડપટ્ટીના રહીશોને પણ માંડવી ખસેડવામાં આવ્યા છે. મંગળવારે દરિયાકાંઠાથી 10 કિમીની ત્રિજ્યામાં આવેલા ગામડાઓના લગભગ 23,000 લોકોને કેમ્પમાં લઈ જવામાં આવશે. કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે અને તમામ શાળા-કોલેજો 15 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન દક્ષિણ અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ – વલસાડ, ગીર સોમનાથ, ભાવનગર અને અમરેલીમાં સોમવારે સવારે હળવો વરસાદ પડ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here