બિપરજોય ચક્રવાતે ગુજરાતના કચ્છમાં જખૌ બંદરે લેન્ડફોલ કર્યું. વાવાઝોડાને લીધે માંડવી, દેવભૂમિ દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. 125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાનું કેન્દ્ર (I) લગભગ 50 કિમીની ત્રિજ્યામાં ફેલાયેલું છે. મળતી માહિતી અનુસાર, બિપરજોય વાવાઝોડાના કારણે રાજ્યના ઘણા જિલ્લાઓ પ્રભાવિત થયા છે. જેમા કચ્છમાં પણ ભારે નુકસાન થયું હોવાના અહેવાલ છે.
કચ્છના નલિયામાં વાવાઝોડાની ખતરનાક અસર થઇ છે. ત્યારે હજારો વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. ‘બિપરજોય’ વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે. કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ભારે વરસાદના કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અહીં અનેક વૃક્ષોની સાથે વિજપોલ પણ ધરાશાયી થયાના અહેવાલ છે. વળી ઓખા અને માંડવીની વાત કરવામાં આવે તો છેલ્લા 18 કલાકથી અહીં વિજળી ગુલ થઇ છે. જોકે, સદનસીબે હજી જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી. મોરબીમાં પણ વાવાઝોડાને કારણે અનેક વીજ થાંભલા તૂટી ગયા છે, જેના કારણે માળીયા તાલુકાના 45 ગામોમાં વીજળી ગુલ થઈ ગઈ છે.
શુક્રવાર સુધીમાં બિપરજોયની લગભગ તમામ ઉર્જા ખતમ થઈ જાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તોફાન નબળું પડવા લાગશે. જોકે, તેની અસર આગામી બે-ત્રણ દિવસ સુધી રહેવાની સંભાવના છે. જણાવી દઇએ કે, લેન્ડફોલની પ્રક્રિયા પછી, ચક્રવાતને પોતાને ટકાવી રાખવા માટે પૂરતો ભેજ મળતો નથી. આવી સ્થિતિમાં, તે ઝડપથી તેની શક્તિ ગુમાવે છે. હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતી કહે છે, “પવનની ગતિ ધીમે ધીમે ઘટશે અને શુક્રવાર સાંજ સુધીમાં તે લગભગ સામાન્ય થઈ જશે.