Home Trending Special બિપરજોય વાવાઝોડાનો ખતરો…. , અત્યારસુધી ગુજરાતમાં કેટલા ચક્રવાત આવ્યા … જાણો …

બિપરજોય વાવાઝોડાનો ખતરો…. , અત્યારસુધી ગુજરાતમાં કેટલા ચક્રવાત આવ્યા … જાણો …

194
0

અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં તે ગુજરાતના દરિયા કાંઠે લેન્ડફોલ કરે તેવી શક્યતા છે. ત્યારે સંભવિત વાવાઝોડાને ખતરાને લઈને તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં અરબ સાગર કરતા બંગાળની ખાડીમાં વધારે વાવાઝોડા સર્જાય છે. દેશના કાંઠા વિસ્તારમાં આવેલા રાજ્યો પૈકી તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક અને ગુજરાતમાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળે છે. જોકે, મોટાભાગના ચક્રવાતી વાવાઝોડા જમીન વિસ્તાર સાથે ટકરાઈને નબળા પડે છે. ગુજરાત તરફ આવતા અનેક વાવાઝોડા અંતિમ સમય ફંટાઈ જાય છે. જ્યારે અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટાભાગે પાકિસ્તાન, યમન અને ઓમાન તરફ ફંટાઈ જાય છે અને બંગાળની ખાડીમાં સર્જાતા વાવાઝોડા મ્યાનમાર અને બાંગ્લાદેશ તરફ ફંટાય છે. ગુજરાતમાં 2014માં નિલોફર વાવાઝોડાએ દસ્તક આપી હતી અને તેની ભયાનક અસર જોવા મળી હતી. તો જાણીએ અત્યાર સુધી ગુજરાત તરફ કેટલા વાવાઝોડાએ દસ્તક દીધી છે?

મળેલ માહિતી પ્રમાણે વર્ષ 2014માં અરબી સમુદ્રમાં નિલોફર નામનું વાવાઝોડું સર્જાયું હતું. ગુજરાતના કચ્છ સહિત આસપાસના વિસ્તારમાં આ વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળી હતી. પરંતુ 29 ઓક્ટોબર 2014ના રોજ વાવાઝોડું દરિયામાં જ સમાઈ ગયું હતું. નિલોફર વાવાઝોડાના બીજા જ વર્ષે 2015માં ફરીથી અરબી સમુદ્રમાં જ ચપાલા નામનું ચક્રવાતી તોફાન સર્જાયું. જોકે, ચપાલા ગુજરાત તરફ આવે તે પહેલા જ ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. ત્યારકછી ડિસેમ્બર 2017માં ઓખી નામના વાવાઝોડાએ તમિલનાડુ અને કેરળમાં જોરદાર તોફાન મચાવ્યો હતો અને બાદમાં તે ગુજરાત તરફ આગળ વધ્યું હતું. પરંતુ લક્ષદીપ અને મહારાષ્ટ્રને પાર કર્યા બાદ તે દરિયામાં જ સમાઈ ગયું હતું.

મે 2018માં સાગર નામના વાવાઝોડાએ આકાર લીધો હતો પરંતુ ગુજરાત પહોંચે તે પહેલા જ વાવાઝોડું યમન તરફ ફંટાતા ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરો ટળી ગયો હતો. ત્યારે 13 જૂન 2019ના રોજ વાયુ નામના વાવાઝોડા ગુજરાતના લોકોના શ્વાસ અદ્ધર કર્યા હતા. આ વાવાઝોડું 12 જૂન 2019ની મધરાતે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 120-145 કિમીની ઝડપે લેન્ડફોલ કરવાનું હતું પરંતુ વેરાવળના દરિયાકાંઠે પહોંચ્યા બાદ તે નબળું પડીને અરબી સમુદ્રમાં જ સમાઈ ગયું હતું. ઓક્ટોબર 2019માં ક્યાર નામનું સુપર સાઈક્લોન સમુદ્રમાં સર્જાયું હતું. આ વાવાઝોડું 29 અને 30 ઓક્ટોબરના રોજ ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ થવાનું હતું પરંતુ પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ઉદભવેલું આ વાવાઝોડું અંતિમ સમય ઓમાન તરફ ફંટાઈ ગયું હતું.

2021ના વર્ષમાં મે મહિનામાં અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉતે વાવાઝોડું 17 મેની મધરાતે ગુજરાતના કાંઠે લેન્ડફોલ થયું હતું. આ વાવાઝોડાને કારણે 45 જેટલા લોકોના મોત થયા હતા અને કાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં ભારે તારાજી સર્જાઈ હતી. વાવાઝોડું લેન્ડફોલ થાય તે પહેલા સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરોમાં લાગેલા મોટા હોર્ડિગ્સની સાથે મોટા ઝાડ ધરાશાયી થયા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર 1982 અને 1998માં આવેલા વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી. 4થી 9 નવેમ્બર 1982માં સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકેલા વાવાઝોડામાં 500થી વધુના મોત થયા હતા. આ ઉપરાંત 4થી 10 જૂન 1998માં રાજ્યમાં અત્યાર સુધી આવેલા સૌથી ખતરનાક વાવાઝોડાએ 1173 લોકોના ભોગ લીધો હતો. આ ઉપરાંત 1500થી વધુ ગુમ થયા હતા. ત્યારબાદ 1999માં ગુજરાતના દરિયાકાંઠે આવેલા એક વાવાઝોડામાં 453 લોકોના મોત નીપજ્યા હોવાનો મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ભારત સહિત કુલ 8 દેશ એવા છે, જેમના દ્વારા સમુદ્રમાં સર્જાતા વાવાઝોડાના નામ આપવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર 11મી જૂન સુધી આ બિપરપોય વાવાઝોડું પ્રતિકલાક 140ની સ્પીડ પકડે તેવી સંભાવના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here