પાટણ: ૯ જાન્યુઆરી
માનવ અને રીંછ વચ્ચેના ઘર્ષણ ટાળવા તથા જનજાગૃતિના અભાવે રીંછ પર થતાં હુમલા અને તેની ઉપેક્ષિત અવસ્થા સામે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. નિશીથ ધારૈયાએ સંશોધનાત્મક અભ્યાસ આદર્યો છે, જેને બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો પણ સાથ મળ્યો છે. મહાનાયક અમિતાભ બચ્ચને ડો. નિશીથ ધારૈયાને તેમના ઘરે બોલાવી રીંછ વિશે માહિતી મેળવી હતી અને તેમને સંદેશાનો અંગ્રેજી અને હિંદી ભાષામાં એક મિનિટનો વીડિયો મોકલ્યો છે.
ડૉ. નિશીથ ધારૈયાએ રીંછની વન્યલાઈફ અને તેનાં સંરક્ષણ-સંવર્ધન અંગે ઈસરો, અમદાવાદનાં વિજ્ઞાની ડો. સી.પી.સિંઘ સાથે ‘એબિટાટ કનેક્ટીવિટી નામે એક સંશોધનાત્મક પ્રોજેક્ટ કર્યો હતો. જેના અંતર્ગત ઈસરોએ ગુજરાતના જેસોર અને બાલારામ-અંબાજી (બનાસકાંઠા), રતનમહાલ (દાહોદ), જાંબુઘોડા (પંચમહાલ) અને શૂલપાણેશ્વર (નર્મદા) એમ પાંચ રીંછ અભ્યારણ્ય તથા આસપાસનાં વિસ્તારોની સેટેલાઈટ ઈમેજ લઈને ત્યાં જીપીએસ લોકેશન ગોઠવીને ઈકોલોજીક સર્વે આદર્યો હતો. તેમજ એ રિપોર્ટ, નકશા અને મોડૅલને આધારે જંગલોને જોડતો ઈકોલોજીકલ કોરિડોર મેપ તૈયાર કરીને બાલારામ-વિજયનગર, જૈસોર-બાલારામ, રતનમહાલ-જાંબુઘોડામાં કોરિડોર બનાવવા સરકારને ભલામણ કરી હતી તેમનો હેતુ છેકે સંઘર્ષ ઘટાડી રીંછને બચાવવાનો હેતુ રીંછ એકથી બીજા જંગલમાં સરળતાથી આવ-જા કરી શકે એ માટે જંગલ વચ્ચે ઈકોલોજીકલ કોરિડોર હશે તો રીંછનો ખોરાક ગણાતી વનસ્પતિ અને જંગલનાં પશુ-પંખી, પ્રાણીઓનું રક્ષણ થઈ શકે. જો કે, ક્યારેક રીંછ અભ્યારણ્ય બહાર નીકળી જાય છે ત્યારે માનવી સાથે ઘર્ષણમાં આવે છે. તેમના પ્રોજેક્ટનું લક્ષ્યાંક આવા સંઘર્ષને ઘટાડીને રીંછને બચાવવાનું જ છે.
આ પ્રોજેક્ટમાં સિનિયર પ્રોજેક્ટ ફેલો શાલુ મેસરિયા અને જુનિયર રિસર્ચ ફેલો પ્રતીક દેસાઈ તથા શ્રુતિ પટેલ પણ જોડાયા છે, જેમણે રીંછ અભયારણ્ય વિસ્તારમાં સતત રિસર્ચ કરીને રીંછનાં જીવન અંગે વિવિધ તારણો નોંધ્યા અને તેના આધારે અભ્યારણ્ય વિસ્તારમાં વસતા આદિજાતિ લોકો અને તેમનાં બાળકોને રીંછ સાચી સમજ આપી હતી. તેમનું કહેવું છે કે, તેઓ વનવાસીઓને રીંછ સાથે કેવી રીતે વર્તવું તે અંગે સમજાવીને રીંછને નુકશાન ન પહોંચાડવા લોકોને જાગૃત કરીએ છીએ અને રીંછ અંગે વિવિધ ફેક્ટ્સ નોંધીએ છીએ, કે જે રિસર્ચમાં ઉપયોગી થાય છે.
ડૉ. ધારૈયાએ રીંછનાં સંરક્ષણ અને જનજાગૃતિ અંગે છ મિનિટની એક ફિલ્મ તૈયાર કરી છે, જેના માટે તેમને મહાનાયક અમિતાભ બચ્ચનને ઈ-મેઈલ કરીને એક સંદેશો મોકલી આપવા વિનંતી કરી હતી. આ વિનંતી ગ્રાહ્ય રાખીને મહાનાયકે ડો. નિશીથ ધારૈયાને તેમના ઘરે બોલાવી રીંછ વિશે માહિતી મેળવી હતી અને તેમને સંદેશાનો અંગ્રેજી અને હિંદી ભાષામાં એક મિનિટનો વીડિયો મોકલ્યો હતો. આમ રીંછ-સંરક્ષણનો ઉત્સાહભેર સંદેશો આપીને મહાનાયકે તેમનો પ્રાણીપ્રેમ વ્યક્ત કરવાની સાથે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવ્યું.