મંજીપુરા ગામમાં પ્રજાપતિ ફળિયામા રહેતા સુનિલ નામના વ્યક્તિ ગત ૨ જૂનના રોજ પોતાના ઘરે આકસ્મિક રીતે પડી જતાં મોત નિપજ્યું હોવાની માહિતી નડિયાદ રૃરલ પોલીસને મળી હતી. જેથી પાલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. અને યુવકની વિધવા બહેનની પુછપરછ કરતા તેણીએ ભાઈ ઘરમાં આકસ્મિક રીતે પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં મોત થયું હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તપાસ કરતા મૃતકના માથાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા થઈ હોવાનું જોવા મળ્યું હતુ. જેથી પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. ત્યારે ડોક્ટરે કરેલી તપાસમાં મૃતકને માથાની પાછળ આવેલી બોચીના ભાગે કોઇ તિક્ષ્ણ હથિયારથી ઇજા થયેલાનો ઘા પડેલો હતો તેમજ માથાના ઉપર ડાબી બાજુના ભાગે પણ તિક્ષ્ણ હથિયારનો ઘા પડેલો જોવા મળેલો હતો. આ ઉપરાંત ડાબી આંખ પાસે કંઇક વાગતા ઇજા થયેલાનું જણાઇ આવેલ હતું. આ ઉપરાંત કાનમાંથી લોહી નીકળતું હતું અને ગળા ઉપર પણ લોહી ચોંટયું હતું. તેમજ છાતીના ભાગ ઉપર, બરડામાં ડાબા તથા જમણા પડખે બોથડ પદાર્થ મારેલાના સોળના નિશાન જોવા મળ્યા હતા.
જેથી પ્રથમ દૃષ્ટિએ સુનિલ પરમારનું પડી જવાથી નહીં પરંતુ તીક્ષ્ણ હથિયારનો માથામાં અને બોચીના ભાગે ઘા ઝીંકીને, ગંભીર ઈજા પહોંચાડીને મોત નીપજયાનું જાણવા મળ્યું હતું. પીએમ રીપોર્ટમાં તીક્ષ્ણ હથિયાર તેમજ બોથડ પદાર્થથી માર મારવાને કારણે મોત થયાનું ખુલવા પામતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતુ કે, બનાવ બન્યો તે દિવસે સુરેશની પત્ની અને તેના બે બાળકો કોઈ કામ અર્થે બહારગામ ગયા હતા. ઘરે સુનિલ (ઉ. વ. ૩૭) અને તેની વિધવા બહેન સંગીતાબેન (ઉ. વ. ૫૦)જ હતા. આજુબાજુના લોકોએ જણાવ્યું હતું કે બંને વચ્ચે સુનિલ દારૃ પીતો હોવાને કારણે વારંવાર ઝઘડા થતા હતા. પરંતુ આવી નાની બાબતમાં કોઈ હત્યા કરે નહીં એટલે હત્યા પાછળનો હેતુ પોલીસ શોધી રહી હતી. દરમ્યાન સુનિલની હત્યા થયાની વાત સંગીતાબેન છૂપાવતા હોવાની પોલીસને શંકા જાગી હતી. આથી સમગ્ર તપાસ સંગીતાબેન પર કેન્દ્રીત થઈ હતી. પોલીસે સંગીતાબેનને બોલાવીને યુક્તિપ્રયુક્તિથી પુછપરછ કરતા તેણી ભાંગી પડી હતી અને તેણે જ ભાઈની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. ત્યારે પોલીસે સંગીતાબેનની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.