Home પંચમહાલ જીલ્લો દાહોદ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ પોષણ યોજનાઓના પરિણામે...

દાહોદ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ પોષણ યોજનાઓના પરિણામે માતા અને બાળકના મૃત્યુદરનું પ્રમાણ પણ ઘટયું

155
0

દાહોદ : 3 એપ્રિલ, 2023


દાહોદના છાપરી ગામના ધાત્રી માતા ગીતાબેન ડામોર જણાવે છે કે, અહીંના આંગણવાડીને કારણે તેમનો વજન વધ્યો છે અને શરીર તંદુરસ્ત બન્યું છે. અગાઉ તેમનું વજન ખૂબ ઓછું હતું. લોહીનું પ્રમાણ પણ ઓછું હતું. શરીરમાં પણ કમજોરીનો અહેસાસ થતો હતો. પરંતુ આંગણવાડી ખાતે મળતા પોષણ યુક્ત આહાર અને આયરન ગોળીઓ સહિતની લેવાતી સંભાળના કારણે મારો વજન વધ્યો છે. લોહીનું પ્રમાણ પણ વધ્યું છે. ગીતાબેન આઇસીડીએસ વિભાગની વિવિધ પોષણ યોજનાઓ માટે સરકારનો આભાર માને છે.

દાહોદ જિલ્લાની આંગણવાડી ખાતે નોંધાયેલી સગર્ભા ધાત્રી માતાઓને દરરોજ બપોરે સ્વાદિષ્ટ, પોષણયુક્ત ગરમ ભોજન અપાઇ રહ્યું છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગત જુન મહિનામાં આદિજાતિ જિલ્લાના તમામ તાલુકાઓમાં પ્રારંભ કરેલી આ યોજના થકી ‘‘સહી પોષણ, દેશ રોશન’’ નું સૂત્ર ખરા અર્થમાં ચરિત્રાર્થ થઇ રહ્યું છે.

દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓની ૩૦૫૬ આંગણવાડીઓ ખાતે નોંધાયેલી સગર્ભા અને ધાત્રી માતાઓને દરરોજનું ગરમ ભોજન પીરસાઇ રહ્યું છે. પોષણ સુધા યોજના અંતર્ગત અઠવાડીયાના છ દિવસ સગર્ભા ધાત્રી મહિલાઓને ભોજન અપાઇ છે. સગર્ભા ધાત્રી માતાઓનું પોષણના તમામ તત્વો મળી રહે એ માટે દરરોજ અલગ અલગ મેનુ પ્રમાણે ભોજન અપાઇ છે.

આંગણવાડી ખાતે પીરસાતા પોષણયુક્ત આહારમાં થેપલા, દાળભાત, શાક, પરાઠા, લાપસી-શીરો, રોટલી, ખીચડી, પરાઠા, ચણા, દાળ, વઘારેલ ભાત સહિતની વાનગીઓ બપોરના ભોજનમાં સગર્ભા ધાત્રી માતાઓને ગરમાગરમ અહીં આંગણવાડી ખાતે જ બનાવીને પીરસવામાં આવે છે.

આ યોજના અંતર્ગત આંગણવાડી ઉપર નોંધાયેલ સગર્ભા અને ધાત્રી માતાઓને એક વખતનું સંપૂર્ણ પોષણક્ષમ ભોજન આપવામાં આવે છે. આ સાથે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ તેમજ આરોગ્ય અને પોષણ અંગે શિક્ષણ આપવામાં આવે છે.

યોજનાના મોનીટરિંગ અને રિવ્યુ માટે વિશેષ મોબાઇલ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. આ ભોજન ફક્ત રૂ. ૨૭ ના નજીવા દરે સગર્ભા ધાત્રી માતાઓને અપાઇ રહ્યું છે.

સ્ત્રીના જીવનમાં સગર્ભા અને ધાત્રી અવસ્થા ખુબ જ મહત્વપૂર્ણ છે. માતાના ગર્ભમાં રહેલ શિશુ માટે તેમજ જન્મ બાદ તેને સ્તનપાન કરાવવા માટે માતાને વધુ પ્રમાણમાં પોષણની જરૂરિયાત રહે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે પ્રાયોગિક ધોરણે ‘પોષણ સુધા યોજના’ ગુજરાતના આદિજાતિ વિસ્તારના દાહોદ, વલસાડ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા મળી કુલ પાંચ જિલ્લાના ૧૦ તાલુકાઓમાં અમલી બનાવાઈ હતી. જેમાં દાહોદનાં ગરબાડા અને ધાનપુર તાલુકામાં આ યોજના વર્ષ ૨૦૧૭ થી અમલી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં મહિલાઓ સુપોષિત થાય એ માટે આ યોજનાનું વિસ્તરણ કરીને રાજ્યના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓના કુલ ૧૦૬ તાલુકાઓમાં આ યોજના અમલી બનાવવામાં આવી છે. ત્યારે દાહોદનાં પણ તમામ ૯ તાલુકાઓમાં આ યોજના અંતર્ગત સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ અપાઇ રહ્યો છે.

અહેવાલ : મયુર રાઠોડ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here