કાલોલ : 15 જાન્યુઆરી
પશ્વિમ રેલ્વે વિભાગની હોટલાઈન પર હાઈસ્પીડ અને માલવાહક ટ્રેનોની સક્રિયતાને કારણે અંડરબ્રીજની કામગીરી, ગુણવત્તા અને ઈજનેરી ક્ષમતા અંગે સવાલો ઉઠ્યા
કાલોલના ડેરોલસ્ટેશન સ્થિત વર્ષ ૨૦૧૭થી ખોરંભે પડેલા રેલવે ઓવરબ્રિજના વિકલ્પે ગત વર્ષે તૈયાર કરેલા અંડરગ્રાઉન્ડ બ્રીજનું ચાર મહિના પહેલા જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું એ અંડરગ્રાઉન્ડ બ્રીજના કાંકરા ખરતા અને લોખંડના સળિયા પણ બહાર આવી જતાં પશ્ચિમ રેલ્વેની હોટલાઈન પરના આ રેલ્વે અંડરગ્રાઉન્ડ બ્રીજની નુકસાની અને ક્ષમતા અંગે સવાલો ઉઠ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાલોલના રેલ્વે સેન્ટર ગણાતા ડેરોલ સ્ટેશન સ્થિત મુખ્ય ફાટક નંબર ૩૨ પર પાંચ વર્ષો પુર્વે તૈયાર થતા રેલવે ઓવરબ્રિજની કામગીરી અધવચ્ચે બંધ પડી જતાં પાછલા પાંચ વર્ષોથી ઓવરબ્રિજની કામગીરી ખોરંભે પડી જવા પામી છે જેથી સ્થાનિક હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને પડતી હાલાકીઓને પગલે ગત વર્ષે વૈકલ્પિક ધોરણે અંડરગ્રાઉન્ડ બ્રીજની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે રૂપિયા ૪ કરોડના ખર્ચે તૈયાર થઇને ચાલું વર્ષે દિવાળી પહેલા જ સ્થાનિક લોકોએ તેનું લોકાર્પણ કરી દીધું હતું એ ગરનાળાને લોકાર્પણ કર્યાને ચાર મહિનામાં જ એક લાઈન પર સિમેન્ટ કોંક્રિટના પોપડા ખરવા લાગ્યા છે, તિરાડો પડી છે અને લોખંડના સળિયા પણ બહાર આવી ગયા છે, તદ્ઉપરાંત ગરનાળાને થયેલા નુકસાનને કારણે ગરનાળાનો ઝોક પણ વધી રહ્યો છે ત્યારે પશ્ચિમ રેલવેની મુખ્ય હોટલાઈન પર જ્યારે દિલ્લી મુંબઈની ડેઈલી હાઈસ્પીડ ટ્રેનો સહિત ભારવાહક માલગાડીઓ પણ પસાર થતી હોવાને કારણે અંડરબ્રીજની કામગીરી, ગુણવત્તા અને ક્ષમતા અંગે સવાલો ઉઠી રહ્યા છે. હજારો વિદ્યાર્થીઓ, રાહદારીઓ અને વાહનચાલકો તદ્ઉપરાંત ઉપરથી પસાર થતી હાઈસ્પીડ ટ્રેનોને કારણે ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત કે જાનહાની થવા પામે એ અંગે જવાબદાર કોણ એ પણ એક સવાલ બની ગયો છે. જેથી કોઈ મોટી દુઘટર્ના સર્જાય તે પહેલાં જવાબદાર રેલ્વે તંત્રએ સત્વરે ગરનાળાના નુકસાન અને ક્ષમતાની ચકાસણી કરી સઘન સુરક્ષાની કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.