જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ, રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સુરક્ષા કર્મીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સુરક્ષા કર્મીઓએ ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના પુંછમાં અવાર-નવાર સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થતી હોવાના સમાચાર સામે આવતા હોય છે. ત્યારે, ગઇકાલે પણ જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરના પુંછના સિંધરા વિસ્તારમાં સુરક્ષાદળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સિંધરા વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા હોવાની સુરક્ષાકર્મીઓને માહિતી મળી હતી. જે બાદ રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. રાત્રે 11:30 વાગ્યાની આસપાસ સુરક્ષાકર્મીઓ અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. જે બાદ સેના દ્વારા આખીરાત આતંકવાદીઓને ઘેરી તેમની હલચલ પર નજર રાખવામાં આવી હતી. ત્યારબાદ મંગળવારે સવારે ફરી ગોળીબારી શરૂ થઈ જેમાં સુરક્ષાકર્મીઓને મોટી સફળતા મળી છે. સુરક્ષાકર્મીઓ દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરાયા છે. મળતી માહિતી મુજબ, માર્યા ગયેલા તમામ આતંકવાદીઓ વિદેશી હતા.