અલંગ : 11 ફેબ્રુઆરી
જર્મનીના રાજદૂતશ્રીએ અલંગ ખાતે પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને લીલા રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કટીંગ થતાં જહાજ પર ચડી તેનાં મજૂરો સાથે પણ વાતચીત પણ કરી.
જર્મન ગણરાજ્યના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત વોલ્ટર જે. લિન્ડનરે આજે બપોર બાદ અલંગ શીપ બ્રેકીંગ યાર્ડની મુલાકાત લીધી હતી.
સુરતથી રોપેક્ષ ફેરી મારફતે ભાવનગરના જાણીતા બંદર એવાં ઘોઘા ખાતે આવ્યાં બાદ બપોર બાદ તેઓ વિશ્વભરમાં જહાજો ભાંગવાના ઉદ્યોગ ક્ષેત્ર આગવી ઓળખ અને નામના ધરાવતાં અલંગ ખાતે મુલાકાતે પહોચ્યાં હતાં.
જર્મનીના રાજદૂતશ્રીએ અલંગ ખાતે પ્રિયા બ્લુ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ અને લીલા રિસાયક્લિંગ પ્રાઇવેટ લિમિટેડ ખાતે કટીંગ થતાં જહાજ પર ચડી તેનાં મજૂરો સાથે પણ વાતચીત કરી તેઓ કઈ રીતે કામગીરી કરે છે, ગરમીના દિવસોમાં તેઓ કઈ રીતે પોતાની જાતને બચાવીને કાર્ય કરે છે, કેટલાં વર્ષથી તેઓ કાર્ય કરે છે,તેઓની ઉંમર સહિતની સાહજિક વિગતો જહાજ પર કાર્યરત કાર્યકરો પાસેથી જાણી હતી.
તેઓએ રિસાયક્લિંગ યાર્ડના માલિકો પાસેથી જહાજને કઈ રીતે ખરીદવામાં આવે છે, કેટલાં સમયમાં જહાજ તૂટે છે,સ્ટીલ અને લોખંડના ભાવ શું છે, કોરોના કાળમાં અલંગ યાર્ડ ચાલું હતું કે કેમ, કોરોનાથી બચવા માટે શું પગલાં લીધાં હતાં, અહીં મજૂર યુનિયન છે કે કેમ, મજૂરોને એક્સિડન્ટ થાય તો તેના બચાવ માટે હોસ્પિટલ સહિતની વ્યવસ્થાઓ, તેમના વીમાની વ્યવસ્થાઓ, રિસાયક્લિંગ યાર્ડમાં કાર્ય કરવાં માટે જરૂરી નિપુણતા હાંસલ કરવા માટેની તાલીમની વ્યવસ્થાઓ વગેરે વિશેની પ્રશ્નોત્તરી કરીને તેના વિશે જાણકારી મેળવી હતી.
તેઓની આ મુલાકાતમાં ભાવનગર કલેક્ટરશ્રી યોગેશ નિરગુડેએ સાથે રહીને તેમને અલંગના જહાજવાડાની કામગીરીથી અવગત કરાવ્યાં હતાં.
તેમની આ મુલાકાતમાં જર્મન એમ્બસીના મંત્રી અને આર્થિક અને વૈશ્વિક બાબતોના વડાશ્રી સ્ટીફન કોચ, મુંબઇ કોન્સુલેટના કાર્યકારી કોન્સલ જનરલ સુશ્રી મારિયા ઇયનિંગ, રાજનૈતિક અને આર્થિક બાબતોના વરિષ્ઠ સલાહકાર સુશ્રી આશુમી શ્રોફ પણ સાથે રહ્યાં હતાં.