ખંભાત : ૧૧૮ જાન્યુઆરી
આગામી તા. ૨૦/૧/૨૦૨૨ના રોજ સવારના ૯ થી બપોરના ૩-૦૦ કલાક દરમિયાન ખંભાતના પ્રેસ રોડ ઉપર ઉપર જબરેશ્વર આઇ. હોસ્પિટલ ખાતે દિવ્યાંગજનોને એક જ સ્થળેથી દિવ્યાંગ કલ્યાણકારી યોજનાઓના લાભ મળી રહે તે હેતુસર યોજનાકીય ફોર્મ ભરાવવા સહિત યુ.ડી.આઇ.ડી. કાર્ડ રજિસ્ટ્રેશન અને દિવ્યાંગ પ્રમાણપત્ર આંકલન અને તપાસ માટેના મેગા દિવ્યાંગ સેતુ કેમ્પનું આયોજન પ.પૂ. સ્વામી શ્રી ધર્મનંદનદાસ સ્વામીનારાયણ મંદિર, ખંભાતના સહયોગથી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, આણંદ, સિવિલ હોસ્પિટલ, પેટલાદ, જિલ્લા બાળ સુરક્ષા એકમ, આણંદ તથા ખંભાતના જનહિત ચેરીટેબલ ટ્રસ્ટના સંયુકત ઉપક્રમે યોજવામાં આવ્યો છે.
આ કેમ્પમાં દિવ્યાંગ બાળકો અને વ્યકિતઓએ યુ.ડી.આઇ.ડી. કાર્ડ રજિસ્ટ્રેશન અને નવા દિવ્યાંગ સર્ટીફીકેટ આંકલન અને તપાસ માટે જરૂરી ડૉકટર્સ હાજર રહેશે, દિવ્યાંગ ઓળખકાર્ડ (બસ પાસ)નું, સાધન-સહાય યોજના, સંતસુરદાર પેન્શન યોજના(ફકત બીપીએલ ૮૦ ટકાથી વધુ દિવ્યાંગ વ્યકિતઓ માટે), દિવ્યાંગ લગ્ન સહાય યોજનાનું ફોર્મ ભરી આપવામાં આવશે. આ ઉપરાંત દિવ્યાંગજનોને દિવ્યાંગજનો માટેની વિવિધ યોજનાની માહિતી અને માર્ગદર્શન આપવાની સાથે આધારકાર્ડ(ફકત દિવ્યાંગ વ્યકિતનું) કાઢી આપવામાં આવશે. જયારે દિવ્યાંગ મતદાન જાગૃતિ સહિત પાલક માતા-પિતા યોજના તથા બાળ કલ્યાણ યોજનાઓની પણ માહિતી આપવામાં આવશે.
આ દિવ્યાંગ મેગા સેતુ કેમ્પમાં જયારે દિવ્યાંગજન આવે ત્યારે તેમની પાસે જરૂરી આધારા-પુરાવાઓ જેવાં કે, આધારકાર્ડ, રેશનકાર્ડ, બસ પાસ, દિવ્યાંગતાનું ડૉકટરનું સર્ટીફીકેટ, ચૂંટણી કાર્ડ, બેન્ક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, જન્મનો દાખલો, બી.પી.એલ. સ્કોરનો દાખલો ગ્રામ્ય અને શહેરી માટે સુવર્ણ જયંતી વાળો નગરપાલિકાનો, લોહીનું ગૃપ, દિવ્યાંગ ઓળખકાર્ડ જો હોય તો ચાર નકલમાં અસલ સાથે લઇને આવવાનું રહેશે.
આ મેગા દિવ્યાંગ સેતુ કેમ્પ માટે વધુ માહિતીની જરૂર હોય તો જિલ્લા સમાજ સુરક્ષા અને બાળ સુરક્ષા કચેરી, આણંદનો ફોન નંબર-૦૨૯૨-૨૫૩૨૧૦/૨૫૦૯૧૦, જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેકશન ઓફિસર જિમી પરમારનો મોબાઇલ નંબર-૯૮૭૯૭૧૪૯૦૨ કે ખંભાતના જનહિત ચેરીટેબલ ટ્રસ્ટના મુકેશભાઇ રાઠોડનો મોબાઇલ ફોન નંબર ૯૯૯૮૯૭૫૭૧૫ ઉપર સંપર્ક કરવા આણંદના જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ એક યાદી દ્વારા જણાવી દિવ્યાંગજનોને આ કેમ્પનો કોરોનાની ગાઇડલાઇનને અનુસરીને લાભ લેવા અનુરોધ કર્યો છે.