Home ખેડા કેડીસીસી બેંકના ચેરમેનપદે તેજસ પટેલની બિનહરીફ વરણી

કેડીસીસી બેંકના ચેરમેનપદે તેજસ પટેલની બિનહરીફ વરણી

447
0

ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાના લગભગ ૯ લાખથી વધુ ખેડૂતો અને ખાતેદારો સાથે જોડાયેલા કેડીસીસી બેંક તરીકે જાણીતી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિ.ના ચેરમેનપદે તેજસ પટેલ ઉર્ફે જીગાભાઇની બિનહરીફ વરણી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેડીસીસી બેંકની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે તેજસ પટેલ સતત પાંચમી વખત બિનહરીફ ચૂંટાયેલા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દેશના પ્રથમ સહકાર મંત્રી-ગૃહ મંત્રી અમિત શાહના સહકારથી સમૃદ્ધિના વિઝનને સાર્થક કરવા સહકારી બેંકના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓ અને બેંકની સેવાઓ અંતરિયાળ ગામડાઓ અને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો નવનિયુક્ત ચેરમેન તેજસ પટેલે નિર્ધાર વ્યક્ત કર્યો હતો.


કેડીસીસી બેંક નડિયાદના સભાખંડમાં સવારના ચેરમેનની ખાલી પડેલી જગ્યા માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. નડિયાદ પ્રાંત અધિકારી જે.એમ.ભોરણીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ચૂંટણીમાં બેંકના ૨૧ ડિરેક્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવતાં ચેરમેનપદ માટે તેજસ પટેલની સામે અન્ય કોઇ ઉમેદવારીપત્ર નહીં ભરાતા બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. કેડીસીસી બેંકની વર્ષ ૨૦૨૨ના જાન્યુઆરી મહિનામાં થયેલી ચૂંટણીમાં પ્રથમ વખત મેન્ડેટ સાથે ભાજપની પેનલે ઝંપલાવ્યું હતું. ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ બહુમતિ મેળવતાં બેંકમાં છેલ્લા ૨૨ વર્ષથી વર્ચસ્વ ધરાવનાર કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી.


બેંકની ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતિ એ સત્તા પરિવર્તનથી સમૃદ્ધિનો નવો સૂર્યોદય થયો હતો. જેમાં હવે બેંકની સત્તાનું સુકાન સંભાળવા જઇ રહેલા ચેરમેન તેજસ પટેલે જણાવ્યું કે, બેંકિંગ વ્યવસ્થામાં ખાસ કરીને સહકારી બેંકો ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ સમાન હોય છે. બેંકમાં સહકારથી સમૃદ્ધિના નિર્ધાર સાથે આવેલા પરિવર્તનથી લોકોને સરકારની યોજનાઓના લાભથી વંચિત રાખતી નીતિઓનો અંત આવ્યો છે. બેંકનું કામ લોકોને સર્વિસ પૂરી પાડવાનું છે. ગામડામાં લોકોને ઘેરબેઠાં બેંકની સર્વિસનો લાભ મળી રહે તેવા પ્રયાસ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ માટે લોકોના ઘરે જઇને ધિરાણ આપવા સાથે આર્થિક રીતે મજબૂત બનાવવા માટે દેશની આર્થિત નીતિઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન કરવામાં આવશે. સખીમંડળો સ્વાવલંબી બને, ગામડામાં નાના પાયે ઉદ્યોગો શરૂ કરવામાં આવે તો ગામડાઓમાંથી શહેરીકરણ તરફ વળી રહેલા લોકોને ગામમાં જ રોજગારી મળી રહે. સરકારની વિવિધ યોજનાઓ લાભ છેવાડાના માનવીને મળી રહે અને ગામડામાં આર્થિક સમૃદ્ધિને વેગ મળી રહે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે. ગ્રાહકોને લોન કે ધિરાણ મેળવવા કે બેંકની સેવાઓ માટે બેંકમાં આવવું ના પડે પરંતુ લોકોના ઘરઆંગણે બેંકની સેવાઓ મળી રહે તે દિશામાં કામ કરવા અમારું બોર્ડ કટિબદ્ધ છે.


સહકારથી સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે અમારા પર વિશ્વાસ મુકીને કેડીસીસી બેંકનું સુકાન સોંપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાત ભાજપ સહકારીતા સેલના કન્વીનર બિપિન પટેલ-ગોતાનો તેજસ પટેલે આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કેડીસીસી બેંકના ડિરેક્ટર્સ, જીએસસી બેંકના પ્રતિનિધિ તરીકે જેઠાભાઇ ભરવાડ, ગુજરાત ભાજપ સહકારિતા સેલના કન્વીનર બિપિન પટેલ-ગોતા, અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઇ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ ૧૯૪૯માં સ્થપાયેલી અને ૯ લાખ ખેડૂતો સહિત ખાતેદારો સાથે જોડાયેલી કેડીસીસી બેંકની આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ૮૪ બ્રાન્ચ આવેલી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here