કાલોલ: 30 નવેમ્બર
રાજ્ય ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પૈકી બીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંતર્ગત મતદાન કેન્દ્રો પર ફરજ બજાવતા સુરક્ષા કર્મીઓ અને પોલિંગ સ્ટાફની મતદાન પ્રક્રિયા બુધવારે સંપન્ન થઇ જવા પામી છે, પોસ્ટલ બેલેટ મતદાનના આયોજન મુજબ ગત શનિવારે એમજીએસ હાઈસ્કૂલ ખાતે ગત શનિવારે યોજાયેલ બેલેટ મતદાનમાં કાલોલ તાલુકામાં ફરજ બજાવતા ૪૯૫ અને કાલોલ વિસ્તારના પરંતુ કાલોલ બહાર ફરજ બજાવતા હોય એવા ૪૧ સુરક્ષા કર્મચારીઓ સહિત કુલ ૫૩૬ સુરક્ષા કર્મચારીઓએ તેમનું મતદાન કર્યું હતું. જ્યારે ચુંટણી તંત્રના નિર્દેશ અનુસાર આ વખતે ૧૨-ડી ફોર્મ મુજબના દિવ્યાંગ મતદારો અને ૮૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો માટે તંત્રએ રવિવાર અને સોમવારે ચુંટણી કર્મચારીઓએ ગામેગામ ફરીને ઘેરબેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરી હતી જેથી ૧૨-ડી ફોર્મ મુજબના ૧૭૩ મતદારો પૈકી બે દિવસમાં ૧૬૫ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે મંગળવારે ૧૯ પૈકી ૧૭ પ્રમુખ મતદાન અધિકારીઓ અને બુધવારે ૨૩૧ પૈકી ૧૩૧ પ્રથમ મતદાન અધિકારીઓ અને બીએલઓ કર્મીઓએ બેલેટથી મતદાન કર્યું હતું. આમ કાલોલ ૧૨૭ વિધાનસભા બેઠક માટે પાછલા પાંચ દિવસમાં કુલ ૮૪૯ કર્મચારીઓ બેલેટથી મતદાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મતદાન મથકો પર ફરજ બજાવનારા પોલિંગ સ્ટાફના જે કર્મચારીઓએ સીધા બેલેટથી મતદાન કર્યું નથી એવા બાકી કર્મચારીઓનું હજુ પોસ્ટલ બેલેટથી મતદાન સ્વીકારવામાં આવશે તેવું ચુંટણી અધિકારીએ જણાવ્યું છે.
ગુજરાત રાજ્ય ચુંટણી તંત્રના નિર્દેશ અનુસાર આ વખતે દિવ્યાંગ મતદારો અને ૮૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો માટે તંત્રએ ૧૨-ડી ફોર્મ મુજબ ઘેર બેઠાં મતદાન કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી કાલોલ મતવિસ્તારના ચુંટણી કર્મચારીઓએ રવિવાર અને સોમવારે કાલોલ તાલુકાના ગામેગામ ફરીને ઘેરબેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરાવ્યું હતું. જેમાં ભાગ લેતા ચુંટણી કર્મચારીઓના જણાવ્યા અનુસાર ઘણા આંતરિયાળ વિસ્તારમાં રહેતા મતદારો માટે મતદાન સામગ્રીઓ સાથે એક બે કીમી સુધી નદી અને ડુંગરીયાળ વિસ્તારો પગપાળા ખુંદીને પણ મતદાન અભિયાન સફળ બનાવ્યું હતું. જેથી ૧૨-ડી ઉ મુજબના ૧૭૩ મતદારો પૈકી બે દિવસમાં ૧૬૫ મતદારોને મળીને ઘેરબેઠાં ગુપ્ત મતદાન કરાવીને એક નવી મિશાલ ઉભી કરી હતી.