કાલોલ: 27 નવેમ્બર
રાજ્ય ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ પૈકી બીજા તબક્કામાં યોજાનાર ચૂંટણીઓની સઘન તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, જેમાં ગત સપ્તાહે મતદાન કેન્દ્રો પર ફરજ બજાવતા પોલિંગ સ્ટાફની તાલીમ સંપન્ન થઇ જવા પામી છે, શુક્રવાર અને શનિવારે કાલોલ વિધાનસભા મતવિસ્તારના ૩૧૬ મતદાન મથકો માટે જરૂરી ૩૧૬ ઇલેક્ટ્રોનિક વૉટિંગ મશીન અને વીવીપેટ મશીનના સેટો ઉપરાંત જરૂરીયાત મુજબના વધારાના સ્પેર ૭૫ જેટલા સેટોનું શુક્રવાર-શનિવારે કમિશનિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને કમિશનિંગની કામગીરીને અંતે કોલેજના સ્ટ્રોંગ રૂમમાં સુરક્ષા બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યા છે. તદ્ઉપરાંત તંત્ર દ્વારા શનિવારથી જ કાલોલ વિધાનસભા બેઠકના ૨,૫૮,૩૨૩ મતદારો માટે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ અને માર્ગદર્શક માહિતી સાથે બીએલઓ કર્મચારીઓ મતદાતાઓને વહેંચી રહ્યા છે. બીજી તરફ મતદાન સાથે જોડાયેલા કર્મચારીઓના મતદાન માટે ૨૬, ૨૯,૩૦ એમ ત્રણ દિવસો ફાળવવામાં આવ્યા છે, જે પૈકી શનિવારે એમજીએસ હાઈસ્કૂલ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ મતદાન કાલોલ વિધાનસભા બેઠકની ચૂંટણી પ્રક્રિયામાં સામેલ પોલીસ, હોમ ગાર્ડ અને જીઆરડી જેવા સુરક્ષા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ મતદાન કર્યું હતું.
શનિવારે યોજાયેલ પોસ્ટલ મતદાનમાં કાલોલ તાલુકામાં ફરજ બજાવતા ૪૯૫ અને કાલોલ વિસ્તારના પરંતુ કાલોલ બહાર ફરજ બજાવતા હોય એવા ૪૧ સુરક્ષા કર્મચારીઓના પોસ્ટલ બેલેટ મળીને કુલ ૫૩૬ સુરક્ષા કર્મચારીઓએ તેમનું મતદાન કર્યું હતું જે બેલેટ બોક્સમાં સીલ કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ચુંટણી તંત્રના નિર્દેશ અનુસાર આ વખતે ૧૨-ડી ફોર્મ મુજબના દિવ્યાંગ મતદારો અને ૮૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝનો માટે તંત્રએ રવિવાર અને સોમવારે એવા મતદારો માટે ઘેરબેઠાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની વ્યવસ્થા કરી છે જેને અનુલક્ષીને પણ તંત્ર દ્વારા રવિવારે કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે આગામી ૨૯ અને ૩૦ નવેમ્બર એમ બે દિવસમાં મતદાન મથકો પર ફરજ બજાવનારા પોલિંગ સ્ટાફના તમામ કર્મચારીઓનું પણ મતદાન કરવામાં આવશે તેવું ચુંટણી અધિકારીએ જણાવ્યું છે.