Home કાલોલ કાલોલ તાલુકાના ડેરોલગામ ગામની સીમમાં ઘુસેલા દીપડાએ એક વાછરડાનું મારણ કરતા લોકોમાં...

કાલોલ તાલુકાના ડેરોલગામ ગામની સીમમાં ઘુસેલા દીપડાએ એક વાછરડાનું મારણ કરતા લોકોમાં ફફડાટ

202
0

કાલોલ : 22 માર્ચ


કાલોલ તાલુકાના ડેરોલગામની સીમમાં ઘુસી આવેલા દિપડાએ બુધવારે રાત્રે સીમમાં વસવાટ કરતા સ્થાનિક પશુપાલકના ગાયના એક વાછરડાનું મારણ કરવાનો બનાવ પ્રકાશમાં આવતા સીમમાં દિપડો હોવાનો ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત વિગતો મુજબ ડેરોલગામ પાસેની નર્મદા કેનાલ પાસેની સીમમાં વસવાટ કરતા જશવંતભાઈ દેસાઈભાઈ પરમારના છાપરામાં બુધવારે સાંજે બાંધેલી ગાય ભેંસો સાથે વાછરડાને બહાર વૃક્ષ નીચે બાંધેલુ હતું અને પરિવાર સાથે સુઈ ગયા હતા ત્યારે સવારે ગાયનું દૂધ કાઢવા માટે વાછરડું શોધતા છાપરાની આસપાસ ક્યાંય વાછરડું જોવા નહીં મળતા છેવટે આજુબાજુ તપાસ કરતા અંતે નજીકના મકાઈના ખેતરમાં મૃત હાલતમાં વાછરડું જોવા મળ્યું હતું. જેને સંભવિત રીતે કોઇ વન્ય પ્રાણીએ રાત્રીના સુમારે પડાવમાં ઘુસીને તેનો શિકાર કરીને પડાવથી દૂર નજીકના ખેતરમાં ખેંચી જઈને તેનું ભક્ષણ કરીને છોડી દીધું હતું. જે વાછરડાના મારણના બનાવ અંગે ખેડૂત પરિવારે સ્થાનિક સરપંચને જાણ કરતા સરપંચ દ્વારા વેજલપુર સ્થિત વનવિભાગની કચેરીને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જેમને શિકાર કરનાર પ્રાણીના પગલાંની છાપના પ્રાથમિક તારણ મુજબ કોઈ દિપડા દ્વારા મારણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના સ્થળે પહોંચી ગયેલા વનવિભાગના કર્મચારીઓ દ્વારા દિપડાના પગલાંની છાપને આધારે ઉપરી કચેરીને ઘટના અંગે જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ડેરોલગામની સીમમાં સામાન્ય રીતે કોઇ દિપડાનો વાસ જોવા મળતો નથી તેમ છતાં કોઈ દિપડો ભટકતો આવી ગયો હોવાના અનુમાનને આધારે ગામલોકોમાં સીમમાં જવાનો ફફડાટ ફેલાયો હતો.

અહેવાલ : મયુર પટેલ, કાલોલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here