દેશભરમાં ટામેટા પેટ્રોલ કરતાં પણ મોંઘા થઈ જતાં સામાન્ય લોકોને માટે ટામેટા ખરીદવા દુર્લભ બની ગયા હતા એ ટામેટા સાથે હવે આદુંના ભાવ પણ આસમાને ઉંચકાતા સામાન્યથી મધ્યમ વર્ગીય ગૃહ ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રસોડાના રાજકુમાર ગણાતા લાલ પીળા ટામેટાના ભાવ પાછલા એકાદ અઠવાડિયાથી ઉંચા થઈ જતાં સામાન્ય લોકોને માટે દુર્લભ બની ગયા છે. એક સમયે ૧૬૦થી ૧૮૦ રૂપિયે કિલો સુધી પહોંચી ગયેલા ટામેટાં હજુ પણ બજારમાં કિલોના રૂ.૧૨૦ ભાવે વેચાય રહ્યા છે જે મધ્યે ટામેટાના ભાવવધારાની કળ વળી નથી ત્યાં તાજેતરમાં ટામેટા સાથે આદુંના ભાવોએ પણ માથું ઉંચકતા હરિફાઈ કરીને રાતોરાત મોંઘા બનીને લોકલ માર્કેટમાં કિલોના રૂ. ૨૪૦ જેટલા મોંધા ભાવે વેચાઈ રહ્યા છે. તદ્ઉપરાંત ટામેટા, આદું સાથે લસણ અને લીલા મરચાંના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. કાલોલ શહેરના શાક માર્કેટમાં ગુરુવારે કિલોદીઠ આદું -રૂ.૨૪૦, ટામેટા-૧૨૦, લસણ-૧૨૦ અને લીલા મરચાં -૧૨૦ કિલો જેવા તમતમતા ભાવ જોવા મળતા સામાન્ય સાથે મધ્યમ વર્ગના લોકો માટે ભાવ સાંભળીને લીધા વિના વહી જતા જોવા મળે છે. હાલ ચોમાસાની વરસાદી સિઝનમાં અનેક લોકો અને નોકરીયાતો આદું મસાલાવાળી ચાના રસિયાઓ હોય છે જે ચામાંથી અચાનક મોંઘું બનેલું આદું ગાયબ થઈ જતાં લોકોની ચાનો સ્વાદ ફિક્કો પડી ગયો છે.