રાજકોટ : 21 માર્ચ
ન્યાયાધીશ દ્વારા એક વર્ષ પૂર્વે કન્ટેમ્ટ ઓફ કોર્ટઅંગે જાહેર કરવામાં આવેલ પરિપત્રના વિરોધમાં આજે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. આજે એક દિવસ વકીલો રાજકોટની અદાલતોમાં તમામ વકીલો કોર્ટ કર્યવાહીથી અલિપ્ત રહી વિરોધ નોંધાવી રહ્યા છે અને પરિપત્ર પરત ખેંચવા માંગ કરી છે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ લલિત શાહી દ્વારા નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં એક વર્ષ પૂર્વે ન્યાયાધીશ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો છે. જેમાં કોર્ટરૂમની અંદર વકીલો દ્વારા જો ઉચ્ચા અવાજથી રજૂઆત કે વાત કરવામાં આવે તો તેમની સામે કન્ટેમ્ટ કાર્યવાહી કરવા નિર્ણય કર્યો છે જો કે દરેક માણસના અવાજ અને બોલવાની રીત અલગ અલગ હોય છે માટે અમે આનો વિરોધ કરીએ છીએ. વકીલો સામે કન્ટેમ્ટ કાર્યવાહી પરિપત્ર પરત ખેંચવામાં આવે તેવી તમામ વકીલોની માંગ છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે, રાજકોટના તમામ વકીલોએ આપેલા હડતાલ એલાનને પડધરી, ધોરાજી, જેતપુર સહીત બાર એસોસિએશન દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે વકીલોની હડતાલ છે અને આવતીકાલે ગુડીપડવોની જાહેર રજા કારણે કોર્ટ બંધ રહેશે. જયારે ગુરુવારે સવારે 10 વાગ્યે બારનું જનરલ બોર્ડ મળશે. જેમાં આગળની રણનીતિ તૈયાર કરવામાં આવશે.
રાજકોટ ખાતે એશોસીએશનની કારોબારી કમીટીની મીટીંગ તા.18/3/2023ના રોજ મળી હતી જેમાં ઠરાવ પસાર કરવામાં આવેલ હતો કે રાજકોટ શહેરની અદાલતોમાં વકીલ સાથેના વર્તન વ્યવહાર તથા વકીલોને પડતી મુશ્કેલીઓ સંદર્ભમાં બાર એસોસિએશનના હોદ્દેદારોએ રજુઆતો કરી પગલા લેવા અને તા.18/10/2021નો પરીપત્ર રદ કરવા ડીસ્ટ્રીકટ જજને તથા હાઈકોર્ટને પત્રો લખવા છતાં કોઈ પ્રતિભાવ નહી મળતા તેમજ વકીલોના ઉપસ્થિત થયેલ પ્રશ્નો અનુસંધાને પગલાં લેવાતા ન હોય હાઈકોર્ટ તથા તંત્રનું ધ્યાન દોરવા આજ રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી વકીલોએ અલીપ્ત રહેવાનું ઠરાવવામાં આવ્યું છે.
રાજકોટ બાર એઓસિએશન દ્વારા આપવામાં આવેલ હડતાલના એલાનમાં કન્ઝ્યુમર બારનું સમર્થન. જીલ્લા કમિશન રાજકોટ ખાતે દરરોજ 75 થી 100 વકીલોની અવરજવર રહેત. હોય છે જો કે આજે કન્ઝ્યુમર બારના વકીલો પણ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા.