કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કોરોનાના નવા વેરીએન્ટ સામે સાવચેતી, સલામતી માટે આરોગ્ય વિભાગને સુવિધાઓથી સજજ કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરુપે આણંદ જિલ્લામાં પણ ઓક્સિજન, બેડ સહિતની બાબતોએ મોકડ્રીલ યોજાઇ હતી.
પરંતુ ચિંતાજનક બાબત એ છે કે જિલ્લામાં આશરે ૬ર ટકા લોકોએ બુસ્ટર ડોઝ લેવામાં આળસ દાખવી છે. આથી નવા વેરીયન્ટ સામે સાવચેતીના ભાગરુપે જિલ્લા
આરોગ્ય વિભાગ દ્વારા ચાર દિવસ અગાઉ રાજય સરકાર પાસેથી ૧૦ હજાર બુસ્ટર ડોઝની પ્રથમ તબકકામાં માંગણી કરવામાં આવી હતી. જાણવા મળ્યાનુસાર આજે સરકાર તરફથી આણંદ જિલ્લાને ચાર હજાર બૂસ્ટર ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જિલ્લામાં કોરોના બીએફ-૭ને લઇને આરોગ્ય વિભાગ દ્વારા મોકડ્રીલ બાદ હવે બૂસ્ટર ડોઝ અભિયાનને ઝડપથી ધપાવવા આયોજન કરાયું છે. આજે જથ્થો આવ્યા બાદ હવે ક્રમશ: બૂસ્ટર ડોઝનો જથ્થો જિલ્લાને મળતો રહેશે. જેની તાલુકાવાઇઝ ફાળવણી કરવામાં આવનાર હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોઅ ેજણાવ્યું હતું. વધુમાં કોરોના વેકિસનના બંને ડોઝ લીધા હોય પરંતુ બુસ્ટર ડોઝ ન લીધો હોય તેવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રએ જઇને નામ નોંધાવવા અને જથ્થો ઉપલબ્ધ હોય તો બૂસ્ટર ડોઝ લેવા પણ અપીલ કરવામાં આવી છે.
જિલ્લામાં ર૯ ડિસે. ઓપીડીમાં ૪૧૪૪ કેસ, ૩૮પ વ્યક્તિઓના ટેસ્ટ કરાયા
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના વિવિધ કેન્દ્રોમાં આજે ઓપીડીમાં કુલ ૪૧૪૪ કેસ નોંધાયા હતા. દરમ્યાન રપ૮ના આરટીપીસીઆર અને ૧ર૭ વ્યક્તિઓના એન્ટીજન ટેસ્ટ કરાયા હતા.




















