આણંદ જિલ્લા સાંસદ મિતેષ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં સાંસદે સરકારના વિવિધ યોજનાકીય લાભો છેવાડાના માનવી સુધી પહોંચે તથા સાચો લાભાર્થી યોજનાકીય લાભોથી વંચિત રહેવા ન રહી જાય તે જોવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં સાંસદ મિતેષ પટેલે કેન્દ્ર-રાજય સરકાર પુરસ્કૃત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલી યોજનાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના, જનની સુરક્ષા યોજના, નિશ્ચય પોષણ સહાય યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, બેટી બચાવો – બેટી પઢાઓ, મધ્યાહન ભોજન યોજના, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, સોઇલ હેલ્થ કાર્ડ, પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના, પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ, સુકન્યા સમૃધ્ધિ યોજના, સાંસદ આદર્શ ગ્રામ યોજના, મનેરેગા, મિશન મંગલમ, દિન દયાલ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, સ્વચ્છ ભારત મિશન જેવી અનેક યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી જિલ્લામાં કરવામાં આવેલ કામગીરી પ્રતિ સંતોષ વ્યકત કર્યો હતો. સાંસદે આયુષ્માન ભારત જેવી વિવિધ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને બાકી રહેલ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ ઝડપથી મળી જાય તે જોવા સુચવ્યું હતું.
સાંસદે આણંદ જિલ્લામાં હાલ ચાલી રહેલ અને હાથ ધરવા પાત્ર કામો જેવાં કે રસ્તાઓ, પાણી-પુરવઠા, શાળાના ઓરડાઓ, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત જેવી વિવિધ બાબતોએ વિસ્તૃત સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન પેટલાદના ધારાસભ્ય કમલેશ પટેલે જિલ્લાના વિકાસ માટે રચનાત્મક સૂચનો કર્યા હતા. તેમજ કલેકટર મિલિંદ બાપનાએ સાંસદ અને ધારાસભ્ય દ્વારા સુચવવામાં આવેલ સૂચનોને ધ્યાને લઇ અધિકારીઓ તેમના હસ્તકની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા જણાવ્યું હતું. બેઠકના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે. વી. દેસાઇએ સૌને આવકારી વિવિધ યોજનાઓ હેઠળ કરવામાં આવેલ કામગીરીની વિગતો રજૂ કરી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઇ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી જી.ડી.પ્રજાપતિ, તાલુકા પંચાયતના પ્રમુખો, જિલ્લાના અમલીકરણ અધિકારીઓ, નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરો, તાલુકા વિકાસ અધિકારી સહિત આમંત્રિત સરપંચ હાજર રહ્યા હતા.