Home Trending Special આણંદ જિલ્લાના ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગ મતદારો મતદાન મથકે ગયા...

આણંદ જિલ્લાના ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગ મતદારો મતદાન મથકે ગયા વગર ઘરે બેસીને મતદાન કરશે

206
0

આણંદ : 23 નવેમ્બર


ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી : ૨૦૨૨ અંતર્ગત આણંદ જિલ્લાની ૭ બેઠકો ઉપર આગામી તા. ૫ મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ લોકશાહીના આ પર્વમાં વધુને વધુ મતદાન થાય અને મતદારો તેમના માતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા આ વખતની ચૂંટણીમાં સૌ પ્રથમવાર ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે ચૂંટણી પંચની સૂચનાનુસાર આણંદ જિલ્લામાં સમાવિષ્ટ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં ૩૧,૪૮૪ વરિષ્ઠ નાગરિકો અને મતદાર યાદીમાં દિવ્યાંગ તરીકે ફલેગ થયેલ હોય તેવા ૧૦,૮૦૭ દિવ્યાંગજનો મળી કુલ ૪૨,૨૯૧ મતદારો પૈકી ઘરે બેસી મતદાન કરવા ઈચ્છતાં ૧૮,૩૧૫ વરિષ્ઠ નાગરિકો અને ૭,૮૧૯ દિવ્યાંગ મતદારોને ઘરે રહીને મતદાન કરવા માટે જરૂરી માહિતી ભરવા માટેના કોરા ફોર્મ-૧૨ ડી વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગજનો દ્વારા ઘરે રહીને જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરી ફોર્મ-૧૨ ડી માં જરૂરી વિગતો ભરીને તે જમા કરાવવામાં આવ્યા. મતદારો દ્વારા જમા કરાવવામાં આવેલા આ ફોર્મ-૧૨ ડી ને ધ્યાને લઈ આગામી દિવસોમાં સબંધિત મતદાર વિભાગમાંથી મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા પોલીંગ ઓફિસર સહિતની અધિકારી-કર્મચારીઓની ટીમ મતદારોના ઘરે જઈને સબંધિત મતદારને પોસ્ટલ બેલેટ આપીને તેમને ઘરે બેઠા બેઠા જ મતદાન કરાવશે.

આણંદ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે રહીને જ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા ઉભી કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાની માહિતી આપતાં આણંદ જિલ્લાના પોસ્ટલ બેલેટના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા આયોજન અધિકારીશ્રી જે. સી. રાવલે જણાવ્યું હતુ કે, આ વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે આણંદ જિલ્લાના વિવિધ મતદાર વિભાગમાં રહેતા જે વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ મતદારોએ ઘરે રહીને જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરી ફોર્મ-૧૨ ડી ભરીને જમા કરાવેલ છે, તેવા મતદારોના ઘરે તેમને મતદાન કરાવવા જતા પહેલા તેમને એસ.એમ.એસ. દ્વારા, મોબાઈલ દ્વારા અને બી.એલ.ઓ. મારફત અગાઉથી જાણ કરવામાં આવશે. એટલું જ નહી પરંતુ સબંધિત મતદારના ઘરે મતદાન અર્થે જતા પહેલા તે મતદાર બેઠક ઉપરના તમામ ઉમેદવારોને પણ આ બાબતની જાણ કરવામાં આવશે. ત્યારબાદ સબંધિત મતદાર વિભાગની મતદાન ટુકડી મતદારના ઘરે જઈને સબંધિત મતદારને પોસ્ટલ બેલેટ આપશે. પોસ્ટલ બેલેટની સાથે બે કવર પણ મતદારને આપવામાં આવશે. ત્યારબાદ મતદાર દ્વારા ઘરે બેઠા જ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તે પોસ્ટલ બેલેટને કવરમાં મૂકવામાં આવશે. આ કવરને ઉપસ્થિત સૌની હાજરીમાં સીલબંધ કરવામાં આવશે ત્યારબાદ આ સીલબંધ કવરને અને ડેકલેરેશનને બીજા કવરમાં મૂકી તેને પણ સીલબંધ કરી મતદારની મતદાનની ગોપનીયતા જળવાય તે બાબતની સવિશેષ કાળજી રાખવામાં આવશે.

નોંધનીય છે કે, આણંદ જિલ્લાના ૭ મતદાર વિભાગો પૈકી ૧૦૮-ખંભાત મતદાર વિભાગના ૩૦ વરિષ્ઠ નાગરિકો અને ૧૬ દિવ્યાંગ મતદારો, ૧૦૯-બોરસદ મતદાર વિભાગના ૨૩ વરિષ્ઠ નાગરિકો અને ૫ દિવ્યાંગ મતદારો, ૧૧૦-આંકલાવ મતદાર વિભાગના ૩૮ વરિષ્ઠ નાગરિકો અને ૧૦ દિવ્યાંગ મતદારો, ૧૧૧-ઉમરેઠ મતદાર વિભાગના ૨૭ વરિષ્ઠ નાગરિકો અને ૩ દિવ્યાંગ મતદારો, ૧૧૨-આણંદ મતદાર વિભાગના ૯ વરિષ્ઠ નાગરિકો અને ૪ દિવ્યાંગ મતદારો, ૧૧૩-પેટલાદ મતદાર વિભાગના ૪૦ વરિષ્ઠ નાગરિકો અને ૪ દિવ્યાંગ મતદારો તેમજ ૧૧૪-સોજીત્રા મતદાર વિભાગના ૮૦ વરિષ્ઠ નાગરિકો અને ૨૫ દિવ્યાંગ મતદારો મળી સમગ્ર આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગોમાં કુલ મળી ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં ૨૪૭ વરિષ્ઠ નાગરિકો અને ૬૭ દિવ્યાંગ મતદારો આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથકે ગયા વગર ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકશે.

 

 

એહવાલ : પ્રતિનિધિ આણંદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here