35 દિવસના વેકેશન બાદ ધો.1થી ધો.12માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં વર્ષ 2023-24 માટેના નવા શૈક્ષણિક સત્રનો આરંભ થઇ ગયો છે. રાજ્યની 43 હજાર પ્રાથમિક અને 11,400 શાળાઓમાં સત્ર શરૂ થયુ છે. શૈક્ષણિક સત્ર અને દિવાળી વેકેશન જાહેર કરાયા છે તે મુજબ પ્રથમ સત્ર તા.5 જૂન,2023થી 8 નવેમ્બર, 2023 દરમિયાન 124 દિવસનું રહેશે. જ્યારે દિવાળી વેકેશન તા.9થી 29 નવેમ્બર સુધી 21 દિવસનું જાહેર કરાયું છે.
શાળામાં નવા સત્રનો પ્રારંભ તો થઇ ગયો છે. પરંતુ આ તરફ પુસ્તકો, નોટબુક અને ચોપડા સહિતની સ્ટેશનરીના ભાવમાં 20 થી 25 ટકાનો ભાવવધારો થતા વાલીઓના બજેટ પર અસર પડી શકે છે. બેગ, યુનિફોર્મ અને બુટ-મોજાના ભાવમાં પણ 5 થી 10 ટકાનો વધારો થયો છે. વિવિધ સ્ટેશનરીની દુકાનો ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે. નવા શૈક્ષણિક વર્ષમાં પ્રાથમિક શાળાઓમાં ધો.1માં હવે 6 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા બાળકોને જ એડમિશન મળશે. જ્યારે 5 વર્ષના બાળકોને બાલ વાટિકામાં પ્રવેશ મળશે. પહેલી જૂને છ વર્ષ પૂરા ન થયા હોય તેવા રાજ્યમાં અંદાજે ત્રણ લાખ બાળકો છે. અને આવા બાળકો માટે સરકારી સ્કૂલોમાં બાલવાટિકાઓ પણ શરૂ કરાઈ છે.