અરબ મહાસાગરમાં ઉદ્ભવેલા ચક્રવાત બિપોરજોયે બહુ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પરંતુ તેના વચ્ચે રાહતના સમાચાર એ છે કે, વાવાઝોડાની ઘાતક અસર પહેલા જ કેરળમાં ચોમાસું આવી ગયું. વાવાઝોડાને કારણે ચોમાસાની ગતિ પર મોટો પ્રભાવ પડે છે. આ સાથે જ હવામાન વિભાગે મુંબઈ-ગોવા, કર્ણાટક-કેરળ અને ગુજરાતમાં તોફાનને લઈને એલર્ટ જાહેર કર્યું છે. અરબ મહાસાગરમાં આ ચક્રવાતી તોફાનને કારણે ભારતને આ વર્ષે દક્ષિણ પશ્ચિમ વિસ્તારોમાં ચોમાસાને આગમન માટે રાહ જોવી પડશે.
હવામાન વિભાગના એક્સપર્ટનુ અનુમાન છે કે, તોફાન 12 જુન સુધી એક બહુ જ ગંભીર ચક્રવાત બની જશે. તેની તાકાત શક્તિશાળી હશે. ભારતીય મોસમ વિજ્ઞાન વિભાગનું માનવુ છે કે, સમુદ્રની ગરમ સપાટીનું તાપમાન અને અનુકૂળ વાતાવરણ પરિસ્થિતિઓ આ તોફાનની તીવ્રતાને યોગદાન આપી રહી છે. આ સિસ્ટમ આગામી 36 કલાકમાં વધુ તેજ બની શકે છે. ત્યારે રિસર્ચમાં સામે આવ્યું કે, અરબ સાગરમાં ચક્રવાતની કેટેગરી, સમયગાળો અને તીવ્રતામાં વધારો થયો છે. જ્યાં વાવાઝોડાની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો છે. તો ગંભીર વાવાઝોડાની સંખ્યામાં 150 ટકા વધારો થયો છે. જળવાયુ પ્રદૂષણને કારણે અરબ સાગરનું ગરમ થવું આ પ્રોસેસમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગત ચક્રવાતોની જેમ બિપોરજોય ચક્રવાતને સમુદ્રના વધતા તાપમાન અને ગ્લોબલ વોર્મિંગને કારણે બળ મળી રહ્યું છે.
અત્યારસુધી ગુજરાતે આટલા વાવાઝોડાનો કર્યો સામનો
2004 – ઓનિલ
2006 – મડકા
2010 – ફેટ
2014 – નિલોફર
2015 – ચપાલા-મેઘ
2017 – ઓછકી
2018 – લુબાન
2019 – વાયુ, ફાની
2020 – નિસર્ગ
2021 – તૌકતે
2023 – બિપોરજોય
આંકડા મુજબ, અરબી સમુદ્રમાં ઉદભવતા વાવાઝોડાની તીવ્રતામાં પણ 20 થી 40 ટકાનો વધારો થયો છે. બંગાળની ખાડીમાં વાવાઝોડામાં 8 ટકાનો ઘટાડો થયો છે. આમ, અરબી સમુદ્ર વાવાઝોડાનું હોટસ્પોટ બન્યું છે. જેમાં સૌથી વધુ વાવાઝોડાનો સામનો ગુજરાતને કરવો પડ્યો છે.