લાખો ભક્તોની આસ્થાના પ્રતિક સમાં યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ આજથી પ્રારંભ થઇ ચૂક્યો છે. શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનું આગવું મહત્વ છે. આ મેળામાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો દર્શનાર્થે આવે છે. ત્યારે આ મેળાને લઇ અંબાજી તરફના માર્ગો જય અંબે … જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા છે.
દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળાનો આ વર્ષે બનાસકાંઠા કલેક્ટર દ્વારા વિધિવતરૂપે રથ ખેંચી પ્રારંભ થયો છે. જ્યાં મંદિરના પૂજારીઓ દ્વારા માતાજીની આરતી અને મંત્રોચ્ચાર સાથે મહામેળાની શરૂઆત કરાઈ છે. ત્યારે વાત કરીએ તો પ્રથમ દિવસથી ભક્તો દર્શન માટે ઉમટ્યા છે. 23 થી 29 સપ્ટેમ્બરથી સુધી મેળો યોજાશે. ત્યારે આ ભાદરવી મહામેળામાં 30 લાખથી વધુ ભાવિકો આવવાની શક્યતા દર્શાવાઇ છે. આ મેળામાં ઘણાંય ભક્તો પગપાળા દર્શને આવે છે. જે અંતર્ગત વહીવટી તંત્ર અને યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ તૈયારીઓને પૂર્ણ કરી દેવાઇ છે.
યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાને લઇ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે એ માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ અને સહાયતા કેન્દ્ર શરૂ કરાયાં છે. જેમાં ભોજન , આવાસ , આરોગ્ય સહિતના કેમ્પ શરૂ કરાયા છે. તેમજ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અલગ અલગ ડોમ તૈયાર કરાયા છે. સાત જેટલા મોટા વિશાળ ડોમ પાલનપુરથી અંબાજી હાઈવે પર તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં યાત્રિકોને આરામ કરવાથી માંડીને આરોગ્યની તમામ વ્યવસ્થા કરાઇ છે, જ્યાં મહામેળાના પ્રથમ દિવસે પગપાળા સંઘો ધીમે ધીમે અંબાજીમાં પ્રવેશી રહ્યા છે અને અંબાજીના માર્ગ પર જય અંબેના નાદ સંભળાઈ રહ્યા છે. માઈભક્તોની સેવા માટે તંત્રથી લઈને સેવાભાવી સંસ્થાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અંબાજીમાં મેળાને લઈને શ્રદ્ધાળુઓ માટે આ વર્ષે વિશેષ સુવિધાઓ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉભી કરાઇ છે. જેમાં દર્શનાર્થીઓને કોઇ તકલીફ ન પડે તે માટે રહેવા, જમવાના ડોમથી માંડી પાર્કિંગ, મોબાઈલ ચાર્જિંગ, પાનીઝ હાઉસકીપિંગ, અગ્નિશામકનાં સાધનો સહિતની તમામ સુવિધાઓ ઊભી કરી દેવામાં આવી છે, સાથે જ મંદિર સહિત સમગ્ર પરિસરને રંગબેરંગી રોશનીથી શણગારી મંદિરની શોભામાં વધારો કર્યો છે.
અંબાજીમાં QR કોડ લોન્ચ કરાયો
પદયાત્રીઓ અને ભક્તો માટે ડિજિટલ પહેલ શરૂ કરાઇ છે. જેમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા QR કોડ લોન્ચ કરવામાં આવ્યો છે. QR કોડની મદદથી યાત્રિકો રહેવા અને જમવાનું ચોક્કસ લોકેશન શોધી શકશે. તેમજ વિશેષ ભાગરૂપે યાત્રિકો માટે સફેદ કલર કરાયો છે. જેના લીધે ચપ્પલ વિના પણ યાત્રિકો ચાલી શકે છે. ગબ્બર પર્વતનાં પગથિયાં પર સફેદ કલર કરવા સહિતની કામગીરી કરાઈ છે. આ ઉપરાંત 500થી વધુ સફાઈ કામદારો પણ જોડાય એવું આયોજન કરાયું છે.