કલાકારી તો એક કલાકાર જ કરી જાણે.. હૈદરાબાદના એક જ્વેલર્સે એવી કલાકારી કરી છે કે એ જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ અદ્ધભૂત..! આ કલાકારી તમને મંત્રમુગ્ધ કરી મૂકશે. 75 હજારથી વધુ હીરા વાળી મૂર્તિ તમે જોશો તો જોતા જ રહી જશો. ભગવાન વિષ્ણુને યોગ નિદ્રામાં દર્શાવતી મૂર્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ કલાકારી છે હૈદરાબાદમાં આવેલા શિવ નારાયણ જ્વેલર્સની. જેમણે દુનિયાભરમાં તેમની કલાથી પોતાનો ડંકો વગાડ્યો છે અને ફરીથી તેમણે પોતાની કલાકારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. શિવ નારાયણ જ્વેલર્સે અનંત પદ્મનાભસ્વામીની મૂર્તિ બનાવી 9 મી વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાની એન્ટ્રી કરવા તૈયાર છે. સોના અને હીરાથી બનેલી આ મૂર્તિ કેરળના તિરુવનંતપુરમ મંદિરમાં શ્રી અનંતપદ્મનાભસ્વામીની પ્રખ્યાત મૂર્તિથી પ્રેરિત છે.
મૂર્તિની ઉંચાઈ આઠ ઈંચ અને લંબાઈ 18 ઈંચ છે. જ્યારે મૂર્તિનું વજન 2 કિલો 800 ગ્રામ છે. તેમજ આ મૂર્તિમાં શ્રેષ્ઠ ગુણવત્તા વાળા કુલ 500 કેરેટના 75 હજારથી વધુ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ માસ્ટરપીસને તૈયાર કરવા કેટલાય વર્ષોથી પ્લાનિંગ ચાલતુ હતુ. ભગવાન વિષ્ણુની મૂર્તિને તૈયાર કરવામાં અઢીથી ત્રણ વર્ષનો સમય લાગ્યો હતો. કુલ 32 કારીગરોએ આ મૂર્તિ બનાવવા 55 થી 60 દિવસ કામ કર્યું હતું. આ મૂર્તિ શ્રેષ્ઠ ઝામ્બિયન નીલમણિ અને કુદરતી બર્મીઝ રૂબીમાંથી બનેલી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. આ સાથે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મૂળ મૂર્તિમાં હાજર દરેક વસ્તુને આ મૂર્તિમાં ચોકસાઈ સાથે કંડારવામાં આવી છે. શિવ નારાયણ જ્વેલર્સ અત્યાર સુધીમાં 8 વખત ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું સ્થાન મેળવી ચૂક્યું છે.