પહેલા એક દાયકો એવો હતો જેમાં લોકોનું આયુષ્ય 70-80 નક્કી કરી શકતાં હતા. પરંતુ હવે એવો દાયકો આવ્યો છે. જ્યાં વ્યક્તિની અકલ્પનીય વયમાં મૃત્યુ થઇ જાય છે. હાલના જમાનામાં રહેણી – કરણી બદલાતાં અને અનેકવિધ કારણોના લીધે વ્યક્તિનું અવસાન થઇ જતાં હોય છે. ત્યારે આપણે સૌ જોઇએ છીએ કે છેલ્લાં કેટલાક વર્ષોથી વ્યક્તિમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થયો છે.
એમાંય નાની ઉંમરે હાર્ટ એટેકના કેસ સતત વધી રહ્યા છે. હવે માત્ર 40 વર્ષની ઉંમરે જ નહીં પરંતુ 30 વર્ષની ઉંમર પહેલા જ હાર્ટ એટેક યુવાનોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે. નાની ઉંમરે હૃદયરોગના હુમલાના કિસ્સાઓ હવે આશ્ચર્યજનક રીતે વધી રહ્યાં છે. તેના બદલે, આવા કિસ્સાઓ હવે ડરાવે છે. કારણ કે થોડા સમય પહેલા સુધી 40 વર્ષથી ઓછી ઉંમરમાં હાર્ટ એટેક આવવો ખૂબ જ આશ્ચર્યજનક હતું, પરંતુ હવે મોટાભાગના કેસોમાં હાર્ટ એટેકનો ભોગ બનેલી વ્યક્તિની ઉંમર 40 વર્ષથી ઓછી અથવા તેની આસપાસ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ ઊભો થાય કે આવો બદલાવ કેમ આવ્યો અને લોકો નાની ઉંમરમાં જ આ જીવલેણ રોગનો શિકાર કેમ બની રહ્યાં છે.
હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક, કાર્ડિયાક એરેસ્ટ અને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શનએ હૃદયને લગતી તમામ જીવન માટે જોખમી પરિસ્થિતિઓ છે. અત્યાર સુધી આ બીમારીઓ મોટી ઉંમર સાથે સંબંધિત માનવામાં આવતી હતી. પરંતુ હવે હૃદયરોગના હુમલાના દર 5 દર્દીઓમાંથી એક 40 વર્ષથી ઓછી ઉંમરનો છે. તીવ્ર મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન અથવા હાર્ટ એટેક ત્યારે થાય છે જ્યારે હૃદયના સ્નાયુમાં લોહીનો પ્રવાહ અચાનક ઓછો થઈ જાય છે, જેના કારણે હૃદયના સ્નાયુને નુકસાન થાય છે. શરીરની બગડતી કાર્યક્ષમતા અને ઉંમર પણ મોટી ઉંમરે આવી સ્થિતિનું કારણ હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ હવે જે રીતે 20 થી 30 વર્ષની વય વચ્ચે પણ હાર્ટ એટેકના કેસ આવી રહ્યા છે, તે ભયજનક પરિસ્થિતિઓ છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, વર્ષ 2000 થી 2016 વચ્ચે યુવાનોમાં હાર્ટ એટેકના કેસ દર વર્ષે 2 ટકાના દરે વધ્યા છે. આ જ કારણ છે કે તમને 27 વર્ષની ઉંમરે હાર્ટ એટેક, 35 વર્ષની ઉંમરે હાર્ટ એટેક જેવા સમાચાર વાંચવા અને જોવા મળી રહ્યા છે. ગત શારદીય નવરાત્રિમાં જે રીતે ગરબા કરી રહેલા 21 વર્ષના છોકરાનું હાર્ટ એટેકથી તુરંત જ મૃત્યુ થયું, તેણે બધાને વિચારતા કરી દીધા. કારણ કે તે 21 વર્ષનો છોકરો ન તો ડ્રગ એડિક્ટ હતો કે ન તો તે કોઈ ગંભીર બીમારીનો શિકાર હતો.
અચાનક હૃદયરોગનો હુમલો વાસ્તવમાં વિવિધ પરિબળોનું પરિણામ છે જે પહેલેથી જ રચાય છે. ઉદાહરણ તરીકે, કોરોનરી હાર્ટ ડિસીઝ સાથે અન્ય કોઈ લક્ષણ સંકળાયેલા હોય કે તરત જ વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે. આ બધી શરીરની અંદર બનતી ઘટનાઓ છે, જે ખૂબ જ હળવા લક્ષણો સાથે તેમના સંકેતો આપે છે. એટલા માટે લોકો ઘણીવાર તેમને ઓળખવામાં નિષ્ફળ જાય છે. જેમ… ડાબા હાથમાં દુખાવો થાય છે અને આ દુખાવો જડબાની રેખા એટલે કે જડબા સુધી પહોંચે છે. કેટલાક લોકોને બંને હાથમાં પણ દુખાવો થઈ શકે છે. ખાસ વાત એ છે કે, આ દુખાવો આરામ કરવાથી સારો થઈ જાય છે. જો આવું સતત થતું હોય તો તેને અવગણશો નહીં.ચાલતી વખતે અથવા કોઈપણ કામ કરતી વખતે છાતીમાં ભારેપણું અનુભવવું, જે ચાલવા અથવા કામ બંધ કર્યા પછી સારું થઈ જાય છે.જે હાર્ટ અટેકના સંકેત છે.
નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કારણો
આળસુ જીવનશૈલી
કસરતનો અભાવ
અતિશય વજન
હાઈ બ્લડ પ્રેશર
ડાયાબિટીસ હોય
લાંબા સમયથી તણાવમાં રહેવું
દારૂ અને ધૂમ્રપાનનું વ્યસન
હાલના સમયમાં કયા કારણથી યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધી રહ્યા છે. જાણો….
કોલેસ્ટ્રોલ
કોલેસ્ટ્રોલ એ આપણા શરીરમાં રહેલ મીણ જેવો પદાર્થ છે જ્યારે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે, ત્યારે તે ધમનીઓને બ્લોક કરી દે છે જેના કારણે યોગ્ય માત્રામાં લોહી હૃદય સુધી પહોંચતું નથી અને તેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આવી સ્થિતિમાં, તમારે ભોજનમાં વધુ ફાઇબર અને ઓછી ચરબીવાળા ખોરાકનો સમાવેશ કરવો અને દરરોજ કસરત કરવી જોઇએ.
ડાયાબિટીસ:
આપણું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં ન રહેતા તે આપણાં હૃદયને નુકશાન પહોંચાડી શકે છે. એવામાં જરૂરી છે કે આપણે હેલ્થી ખોરાક લઈએ અને સમય સમય પર આપણું બ્લડ શુગર લેવલ ચેક કરવતા રહીએ.
હાયપરટેન્શન:
હાર્ટ અટેક માટે બીજું મહત્વનું કારણ કહી શકાય હાઈપરટેન્શન. જેમાં વધારે પ્રમાણમાં ટેન્શન લેવાથી તમારું બ્લડ પ્રેશર લેવલ ખૂબ ઊંચું થઈ જાય છે, ત્યારે તમારા હૃદયને વધુ કામ કરવું પડે છે. આવી સ્થિતિમાં, તમારે તમારા બ્લડ પ્રેશરના લેવલને નિયંત્રણમાં રાખવું જરૂરી છે. તમારે લો-સોડિયમ અને ઓછી ચરબીવાળો ખોરાક ખાવો, કસરત અને યોગાસનથી તમે બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખી શકો છો. આ સાથે મહત્વનું છે કે તમે આલ્કોહોલનું સેવન ઓછું કરો અને તણાવમુક્ત રહો. તમારા શરીરનું વજન ન વધે તેની કાળજી રાખો.
લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ
આ મેડિકલ ટેસ્ટમાં શરીરમાં કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સનું સ્તર માપવામાં આવે છે. જો તે વધુ પ્રમાણમાં જમા થવા લાગે છે તો તે હૃદયને લોહીના પુરવઠાને અવરોધિત કરે છે અને તેને કારણે હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસઓર્ડર અથવા હાર્ટ એટેક પણ આવી શકે છે.
રાજકોટ સહિત ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં 6 લોકોના હાર્ટ અટેકથી મોત થયા છે. એકદમ યુવા વર્ગ અચાનક જ હૃદય રોગનો હુમલો આવતા ઢળી પડે છે અને તેમનું મૃત્યુ થાય છે. ચિંતાજનક બાબત તો એ છે કે હૃદય રોગના હુમલાના કેસ યુવાનોમાં વધુ નોંધાઇ રહ્યા છે. ગઈકાલે એટલે કે 27 તારીખે પણ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પરંતુ ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો સરેરાશ 15 દિવસે આવો એક બનાવ સામે આવતો હોય છે. કલ્પેશ પ્રજાપતિ નામના 28 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું હતું. VVP એન્જિનિયરિંગ કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો હતો. યુવક મૂળ તાપી જિલ્લાનો હતો અને રાજકોટમાં અભ્યાસ અર્થે રહેતો હતો. જે ગઈકાલે અચાનક જ કોલેજથી છૂટી ને નીકળોને છાતીમાં દુખાવો ઉપાડતા સાથી મિત્રો તેને હોસ્પિટલે લઈ ગયા હતા પરંતુ ડોક્ટરએ તેને મૃત જાહેર કર્યો હતો. તેમજ તાજેતરમાં આણંદ જિલ્લાના ઓડ ગામે 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. ઓડ ગામના જીલ ભટ્ટને બાથરૂમમાં એટેક આવ્યો હતો. ત્યારે તેને બાથરૂમની બહાર કાઢી હોસ્પિટલ લઇ જતાં તબીબે મૃત જાહેર કર્યો. બે દિવસ અગાઉ એક યુવતીનું નવસારીમાં હાર્ટ એટેકથી મોત થયું હતું.
કોરોના પછી આ પ્રમાણ વધ્યું હોવાની ભારે ચર્ચા છે. હ્રદયરોગમાં ઘણી મોટી હસ્તીઓ પણ નાની ઉંમરમાં હાર્ટ એટેકની ઝપેટમાં આવી છે. સોનાલી ફોગાટ, અભિનેતા પુનીત રાજકુમાર અને સિદ્ધાર્થ શુક્લા જેવી ઘણી જાણીતી હસ્તીઓનું નાની વયે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું અને કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હાલમાં હાર્ટ એટેકને કારણે AIIMS હોસ્પિટલમાં દાખલ છે.