Home Trending Special શ્રીકૃષ્ણ કેમ કહેવાયા ભગવાન જગન્નાથ …

શ્રીકૃષ્ણ કેમ કહેવાયા ભગવાન જગન્નાથ …

109
0

અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથનો પર્વ. ભગવાન જગન્નાથનો દિવસ જ્યારે ભાઈ બલરામ , બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ સાથે નગરચર્યા પર નીકળે છે. ઓડિશાના પુરીમાં આવેલ જગન્નાથ મંદિર વિશ્વવિખ્યાત છે. હિન્દુ ધર્મના પવિત્ર ચારધામ તીર્થમાંથી એક છે જગન્નાથપુરી. જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુના અવતારમાં કૃષ્ણ મંદિર આવેલું છે. પુરીમાં આવેલા જગન્નાથ મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો દર્શન માટે આવતા હોય છે. ભારતમાં પુરીમાં સૌથી મોટી રથયાત્રા નીકળે છે. ત્યારબાદ અમદાવાદની રથયાત્રા સૌથી મોટી રથયાત્રા કહેવાય છે. ત્યારે પરંપરાગત રીતે નીકળતી રથયાત્રા પાછળ છે રોચક ઈતિહાસ.

અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે, કોરોના મહામારીમાં રથયાત્રા કાઢવાના અને ઉજવવાના નિયમમાં ધરખમ ફેરફાર કરાયા છે પરંતું આપણે સામાન્ય રીતે નીકળતી રથયાત્રામાં મહોત્સવ 10 દિવસનો હોય છે, આ પર્વ શુક્લપક્ષની અગિયારસના દિવસે પૂર્ણ થાય છે.  આ દસ દિવસના ગાળામાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડે છે. ત્રણેય રથને ભવ્ય રીતે સજાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુંડીચા મંદિર લઈ જવામાં આવે છે. મહિનાઓ પહેલાથી ભવ્ય રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે.

લોકવાયકા પ્રમાણે દ્વારકામાં ભગવાન કૃષ્ણની રાણીઓ બલરામના માતા રોહિણીને કૃષ્ણ ભગવાનની રાસલીલા કહેવા માટે કહે છે, પહેલા તો માતા રોહિણી માનતા નથી પરંતું રાણીઓની ઘણી વિનંતી બાદ તેઓ માની જાય છે. તે વખતે કૃષ્ણના બહેન સુભદ્રા ત્યા હાજર હતા,  ભાઈની રાસલીલા વિશેની વાતચીત બહેન આગળ થાય તેવું રોહિણીને યોગ્ય ન લાગ્યું. તે સમયે રોહિણી સુભદ્રાને બહાર ભગવાન કૃષ્ણ અને બલરામ સાથે નગરચર્યા માટે મોકલી દે છે. ત્રણેય ભાઈ-બહેન જ્યારે નગરચર્યામાં નીકળે છે તે સમયે ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને એકસાથે જોઈ નારદમુનિ પ્રસન્ન થઈ જાય છે. નારદમુનિ પ્રાર્થના કરે છે કે દર વર્ષે આ રીતે જ ત્રણેયના દર્શન થાય. નારદમુનિની નિર્દોષ પ્રાર્થના ફળી જાય છે અને ત્યારથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે.

એક એવી પણ માન્યતા છે કે કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે. સુભદ્રા તેમના ભાઈઓ સમક્ષ નગરચર્યા કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે, બહેનની ઈચ્છાને માન રાખી ભગવાન કૃષ્ણ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર ચર્યા કરવા નીકળે છે. ત્યારબાદથી રથયાત્રાના પર્વ મનાવવામાં આવે છે. અન્ય લોકવાયકા એવી છે કે  ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણના માસી છે, જે ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે. ભગવાન શ્રીકૃષ્ણ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીનાં ઘરે 10 દિવસ રહેવા માટે જાય છે. કેટલાક લોકોનું માનવું છે કે ભગવાન કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ-બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે જેથી રથયાત્રા મનાવવામાં આવે છે.

કહેવાય છે કે સતયુગમાં ઈન્દ્રાદ્યુમન નામનો ચક્રવર્તી રાજા ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. તે ભગવાન વિષ્ણુનું તપ કરવા માટે નિલાંચલ પર્વત પર જાય છે પરંતુ ભગવાન વિષ્ણની મૂર્તિ ત્યાંથી સ્વર્ગમાં લઈ જવાઈ હતી. આ વાતથી રાજા  ખૂબ નિરાશ થાય છે અને તે સમયે સ્વર્ગમાંથી આકાશવાણી થાય છે કે ભગવાન પથ્થર અથવા કાષ્ઠ સ્વરૂપે ફરીથી પાછા આવશે અને તેમનું નામ જગન્નાથ રહેશે. આ રીતે ભગવાન તેમના ભક્તોને ખુશ કરવા માટે કાષ્ઠની મૂર્તિના સ્વરૂપમાં અવતરિત થાય છે. માન્યતા છે કે, રથ ખેંચવામાં ઉપયોગમાં લેવાતા દોરડા અથવા રથના સ્પર્શમાત્રથી પવિત્ર કર્મોનું ફળ મળે છે. અષાઢી બીજના દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here