ચોમાસાની સિઝનની શરુઆત હવે થઇ ચૂકી છે. ત્યારે ચોમાસામાં વરસાદને લીધે ઠેરઠેર પાણી ભરાય છે. જેના લીધે રોગચાળો ફેલાવાની શક્યતા ચોમાસામાં વધી જતી હોય છે. ત્યારે આ અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ રાકેશ જોષી જણાવે છે કે વાતાવરણ બદલાતાં બિમારીઓ વધતી હોય છે. તેમાંય ચોમાસું બેસી જતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધશે. હાલમાં સિવિલમાં પાણીજન્ય રોગના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આ રોગોથી બચવા સ્વચ્છતા રાખીને રોગોથી બચી શકાય છે.
બીજી તરફ અમદાવાદમાં વરસાદની શરૂઆત થતાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં વધારો જોવા મળે છે. જાન્યુઆરી થી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં મેલેરિયાના રોજના ત્રણ કેસ નોંધાયા હતા, અલબત્ત, હવે માત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં જ સપ્તાહમાં મેલેરિયાના 5 કેસ અને ડેન્ગ્યુનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. ત્યારે જો હાલની વાત કરીએ તો વાઈરલ ઈન્ફેક્શનના કેસ વધીને 1,208 થયા છે, જે અગાઉના સપ્તાહમાં 1,118 કેસ હતા. આમ 15 દિવસમાં 2,326 કેસ આવ્યા છે.
આ મચ્છરજન્ય રોગમાં શું સાવચેતી રાખવી જોઇએ તે બાબતે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડ રાકેશ જોષી જણાવે છે કે ચોખ્ખું પાણી ઘરની ટાંકી, (અન્ડર ગ્રાઉન્ડ તેમજ ઓવરહેડ), પક્ષીકુંજ, કુંડા, પ્રાણીઓ માટેના હવાડા, ધાબા પર પડેલો ભંગાર, મની પ્લાન્ટ, નકામા ટાયરો, એરકુલર વગેરે. આમ, જ્યાં પાણી છે ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય છે અને તે આપણને કરડીને મેલેરિયા કે ડેન્ગ્યુ ફેલાવે છે.
રાકેશ જોષી , સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડ
અમદાવાદમાં ચોમાસું શરૂ થવા સાથે પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો પણ વકરી રહ્યો છે. તા. 26 જૂન સુધીમાં શહેરમાં ઝાડા-ઉલટીના 607, કમળાના 107 અને ટાઈફોઈડના 238 કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 42, ડેન્ગ્યૂના 11, ચિકનગુનિયાના 2 અને ફાલ્સીપારમનો 1 કેસ નોંધાયો છે.