કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા બહાલ કરી દેવાઈ છે. લોકસભા સચિવાલય તરફથી આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે મોદી સરનેમ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને મળેલી બે વર્ષની સજા અને દોષસિદ્ધિને રદ કરી દીધી હતી. આ સાથે જ તેમનું સાંસદ પદ બહાલીનો રસ્તો ક્લિયર થઈ ગયો. રાહુલ ગાંધી 2019માં લોકસભા ચૂંટણીમાં કેરળના વાયનાડથી ચૂંટણી જીત્યા હતા.
એવું માનવામાં આવી રહ્યું છે કે હવે રાહુલ ગાંધીનું કદ વધી જશે. પહેલા ભારત જોડો યાત્રા અને હવે સંસદ સદસ્યતા બહાલીથી તેમની તાકાત વધી ગઈ છે. રાહુલ ગાંધી આજે સંસદમાં પહોંચીને કેન્દ્ર સરકાર પર નિશાન સાંધી શકે છે. રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા બહાલ થવાથી કોંગ્રેસ સહિત સમગ્ર I.N.D.I.A. ગઠબંધનમાં જોશ જોવા મળી રહ્યો છે.
લોકસભામાં આજનો દિવસ કોંગ્રેસ અને ભાજપ માટે ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા બહાલ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે ગત 4 ઓગસ્ટના રોજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિ કેસમાં તેમના દોષસિદ્ધિ પર રોક લગાવી હતી. જેનાથી તેમની લોકસભા સદસ્યતા બહાલ થવાનો રસ્તો સાફ થઈ ગયો હતો. લોકસભા સચિવાલય તરફથી રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા બહાલ થયા બાદ દિલ્હીના 10 જનપથ બહાર કોંગ્રેસ સમર્થકોએ ઉજવણી કરી.
કોંગ્રેસે ટ્વીટ કર્યો વીડિયો
રાહુલ ગાંધી સંસદમાં એન્ટ્રી કેવી રીતે કરશે તે અંગે કોંગ્રેસે ગઈ કાલે રાતે એક વીડિયો પણ ટ્વીટ કર્યો હતો. એટલે કે કોંગ્રેસે પહેલેથી જ તૈયારી કરી રાખી હતી. વીડિયો વો આ રહે હૈ…કેપ્શન સાથે ટ્વીટ કર્યો. વીડિયોમાં રાહુલ ગાંધીની જે રીતે ફિલ્મના કોઈ હીરોની એન્ટ્રી થાય તે રીતે એન્ટ્રી કરશે . રાહુલ ગાંધીના લોકસભાના જૂના ભાષણ અને ભારત જોડો યાત્રાના તેમના વીડિયોને પણ કમ્પાઈલ કર્યા છે.
નોંધનીય છે કે જ્યાં એક બાજુ રાહુલ ગાંધીની સંસદ સદસ્યતા બહાલ થઈ ગઈ ત્યાં બીજી બાજુ ભાજપના સાંસદ રામશંકર કઠેરિયાની લોકસભા સદસ્યતા ખતમ થઈ શકે છે. ઉત્તર પ્રદેશના ઈટાવાથી ભાજપના સાંસદ રામશંકર કઠેરિયાને એમપી-એમએલએ કોર્ટે બે વર્ષની સજા સંભળાવી છે. કઠેરિયાને કોર્ટે તોફાનો કરવા અને લોકોને ઈજા પહોંચાડવાના એક જૂના કેસમાં બે વર્ષની કેદની સજા સંભળાવી છે.