આજે અષાઢી બીજના દિને અમદાવાદમાં રાજ્યની સૌથી મોટી રથયાત્રા નીકળવાની છે. જય રણછોડ માખણ ચોરના નાદથી જગન્નાથ મંદિરનું પરિસર ગુંજી ઉઠ્યુ છે. ત્યારે જગન્નાથ મંદિરમાં સવારે 4 કલાકે મંગળા આરતી થઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં પોતાના પરિવાર સાથે હાજર રહી આરતી ઉતારી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુકેશ પટેલ હાજર રહ્યા હતા. ત્યારબાદ ભગવાન ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે રથમાં બિરાજમાન થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય રથને નગરચર્યાએ રવાના કરતા પહેલા પહિંદ વિધિ કરી. પહિંદ વિધિ સમયે CM ભૂપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. જાણો શું છે આ પહિંદ વિધિ અને તેનું મહત્વ, કયારથી તેની શરૂઆત થઈ.
અમદાવાદ થી જે રથયાત્રા નીકળે છે. તેમાં છેલ્લા 30 વર્ષથી રથયાત્રાના પ્રારંભ પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવે છે. આ વિધિમાં રાજ્યના રાજા એટલે કે મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીના રથનો રસ્તો સોનાની સાવરણીથી સાફ કરે છે, અને પાણી છાંટે છે. આ વિધિને પહિંદ વિધિ કહેવાય છે. ત્યારબાદ મુખ્યમંત્રી રથનું દોરડું ખેંચીને રથયાત્રાનો પ્રારંભ કરાવે છે. રાજ્યમાં પહિંદ વિધિની શરૂઆત 1990થી શરૂ કરવામાં આવી હતી.
રથયાત્રા પહેલાં મંગળા આરતી થાય છે અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે પહિંદ વિધિ કરાવવામાં આવે છે. આ વિધિ ઓરિસ્સાના જગન્નાથ પુરીમાં થતી ‘છેરા પહેરા’ વિધિ પરથી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે રાજ્યના રાજા એ જગન્નાથજીના પ્રથમ સેવક ગણાય છે તેથી રથયાત્રા પહેલાં રાજા આવીને સોનાની સાવરણીથી રથયાત્રાનો માર્ગ સાફ કરે છે પછી જ ભગવાન રથમાં બિરાજે છે. જેને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે.
રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, નરેન્દ્રભાઈ મોદી અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિંદ વિધિ કરવાનો મોકો પ્રાપ્ત થયો છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યપ્રધાન નરેદ્ર મોદીએ રથયાત્રામાં સૌથી વધુ 12 વખત પહિંદ વિધિ કરી છે. કેશુભાઈ પટેલે પણ પ વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે જેમણે પહિંદ વિધિ કરી.