ઇન્ડિયન આર્મી દ્વારા મહિન્દ્રા કંપનીને 1,850 મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક SUV નો ઓર્ડર આપવામાં આપ્યો છે. વર્ષની શરૂઆતમાં આર્મી દ્વારા સ્કોર્પિયો ક્લાસિકના 1,470 યુનિટની ખરીદી બાદ આ ઓર્ડર આપવામાં આવ્યો છે. મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક જે ભારતીય સેનાને મોકલવામાં આવશે તે ઓલિવ ગ્રીન કલરની હશે. તે સિલ્વર-ફિનિશ્ડ 5-સ્પોક એલોય વ્હીલ્સ સાથે આવે છે. તેમાં ફોગ લેમ્પ પણ આપવામાં આવ્યા છે. SUVને 4WD સિસ્ટમ મળે છે તેની બોડી પર પણ આ લખેલું જોવા મળશે.
આર્મી-સ્પેસિફિક મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક ટોપ-એન્ડ વેરિઅન્ટ પર બેસ્ડ છે, જે કંફર્ટ અને સેફટી ફીચર્સ સાથે આવે છે. તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે 9-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ફોક્સ લેધર સ્ટીયરિંગ વ્હીલ, ફેબ્રિક અપહોલ્સ્ટરી, સ્ટીયરિંગ-માઉન્ટેડ કંટ્રોલ્સ, ઇલેક્ટ્રિકલી એડજસ્ટેબલ ORVM, રિમોટ સેન્ટ્રલ લોકીંગ, ક્રુઝ કંટ્રોલ, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ઓટો ડોર લોક, વગેરેનો સમાવેશ થાય છે. જેમાં ગિયર શિફ્ટ ઈન્ડિકેટર, રિયર વાઈપર અને વોશર જેવા ફીચર્સ પણ હશે.
ઇન્ડિયન આર્મી દ્વારા ખરીદેલ મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિકના એન્જિનમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી. તેમાં એ જ 2.2L ડીઝલ એન્જિન જાળવી રાખવાની અપેક્ષા છે જે સ્કોર્પિયો ક્લાસિક સાથે ઓફર કરવામાં આવે છે જે 132bhp/300Nm આઉટપુટ આપે છે. SUV 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને ડ્રાઇવ-બાય-વાયર ટેક્નોલોજી સાથે આવે છે. મહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક ઉપરાંત, ભારતીય સેના ટાટાની 4X4 ઝેનોન પિકઅપ ટ્રક અને સફારી સ્ટોર્મ SUV , મારુતિ સુઝુકી જીપ્સી અને ફોર્સ ગુરખા જેવા અન્ય વાહનોનો પણ ઉપયોગ કરે છે. નોંધનીય છે કે સેનાએ નવી લૉન્ચ કરેલી મારુતિ સુઝુકી જીમ્ની 5-ડોર લાઇફસ્ટાઇલ ઑફ-રોડ SUVમાં પણ રસ દાખવ્યો છે, જે સંભવિતપણે સેનામાં જૂની મારુતિ જીપ્સીને બદલી શકે છે.