માઇભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજાયો હોય છે. ત્યારે આ માઈ ભક્તો માટે રુડો અવસર બની રહે છે. જ્યાં લાખો ભક્તો પગપાળા માં અંબાના દર્શન આવે છે. વિશ્વપ્રસિદ્ધ મા અંબેના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં વિદેશથી પણ ભક્તો આવે છે. ત્યારે ફરી એકવાર ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત બેઠક યોજાઇ હતી અને તેમાં 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો યોજાવા જઇ રહ્યો છે.
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળા અંતર્ગત 14 જુલાઇના રોજ પ્રવાસન સચિવ હારિત શુક્લની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમા અંબાજી મંદિરના મહાકુંભ એવા ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભક્તોને સુવિધા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નક્કી કરાયું કે, તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર ભાદરવી પૂનમના મેળામાં ભક્તોને કોઈ તકલીફ ન થાય તે માટે વ્યવસ્થા કરાશે. આ વર્ષે વ્યવસ્થા, રોકાણ અને ભોજન વ્યવસ્થા, સ્વાસ્થ્ય સુવિધાઓ, સ્વચ્છતા, પાર્કિંગ, કાયદો- વ્યવસ્થા, ટ્રાફિક નિયમન, અંબાજી નગરમાં લાઇટિંગ, મંદિરમાં દર્શન વ્યવસ્થા પર ખાસ ધ્યાન રાખવામાં આવશે.
ભાદરવી પૂનમના રોજ આવતા ભક્તોનો વ્યાપ દિવસેને દિવસો વધતો જાય છે. તેથી ભક્તોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે. ભક્તોને દર્શન કર્યા બાદ સુખદ અનુભવ થાય તે પ્રકારનું સમગ્ર આયોજન હશે. જેમાં કચાશ રાખવામાં નહિ આવે. ઉલ્લેખનીય છે કે, આ મહામેળામાં મોહનથાળના પ્રસાદનો પણ ખાસ મહિમા છે. તેથી નિયમિત કરતા વધુ મોહનથાળનો પ્રસાદ આ દિવસોમાં બને છે.