Home Trending Special ભગવાન જગન્નાથને કેમ ચડાવાય છે ખીચડીનો પ્રસાદ ….?

ભગવાન જગન્નાથને કેમ ચડાવાય છે ખીચડીનો પ્રસાદ ….?

117
0

આજે ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળશે. ભગવાન જગન્નાથ આજે નગરચર્યાને નિકળશે. ત્યારે આજે વાત કરીશું ભગવાન જગન્નાથના પ્રિય ભોગ એવી ખીચડી વિશે. ભગવાન 56 ભોગ છોડીને કેમ ખીચડી ખાવાનું પસંદ કરે છે. તો ચાલો જાણીએ તેની રસપ્રદ કહાની …

રથયાત્રા એટલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને લાડ લડાવવાનો અવસર. અને ભગવાનને લાડ લડાવવામાં ભક્તો કોઈ કસર નથી છોડતા. ભગવાન માટે 56 ભોગ તૈયાર કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે ભગવાનને ખીચડી સૌથી પ્રિય છે? 56 ભોગ પહેલા પણ ભગવાનને ખીચડી ધરાવવામાં આવે છે.

પૌરાણિક માન્યતા અનુસાર જગન્નાથ પુરીમાં ભગવાન કૃષ્ણની પરમ ઉપાસક હતી કર્માબાઈ. તેઓ ભગવાનાને પોતાના પુત્રની જેમ સ્નેહ કરતા હતા. એકવાર તેમણે ભગવાનને પોતાના હાથે બનાવેલી ખીચડી ખાવા આપી, બસ પછી ઠાકોરજીને આ ખીચડી એટલી પસંદ આવી કે તેમણે કર્માબાઈને કહ્યું કે, મારા માટે તમે રોજ ખીચડી જ બનાવો. હું તમારા ઘરે આવીને ખાઈશ. કર્માબાઈ રોજ સવારે ઉઠતા અને સૌથી પહેલા ભગવાન માટે ખીચડી બનાવતા. બાદમાં જ બધા કામ કરતા હતા. ભગવાન સવારે આવતા, ભોગ લગાવતા અને પછી ચાલ્યા જતા. થયું એવું કે એકવાર એક મહાત્મા કર્માબાઈના ઘરે પહોંચ્યા. તેમણે કર્માબાઈને કહ્યું કે, સૌથી પહેલા નહાઈ ધોઈને સેવા કરવી જોઈએ. પછી જ ભગવાન માટે ભોજન બનાવવું જોઈએ. સંતે સમજ આપ્યા બાદ કર્માબાઈએ નહાઈ ધોઈને ભગવાન માટે ખીચડી બનાવવાનું નક્કી કર્યું. ભગવાન જ્યારે ખીચડી આરોગવા આવ્યા તો, કર્માબાઈએ કહ્યું કે, પ્રભુ હું હજી સ્નાન કરી રહી છું. એટલે થોડો સમય લાગશે. ભગવાનને ઉતાવળ હતી કારણ કે મંદિરના દ્વાર ખુલવાના હતા. એવામાં કર્માબાઈએ નહાઈ, સાફ સફાઈ કરી પછી ખીચડી બનાવી. મોડું થઈ જતા ભગવાને જલ્દી-જલ્દી ખીચડી તો ખાધી પરંતુ તેમા રોજ જેવો સ્વાદ નહોતો. પાણી પીધા વિના જ ભગવાન મંદિર પહોંચ્યા.

મંદિરની બહાર મહાત્માને જોઈને તેઓ બધુ સમજી ગયા. મંદિરના કપાટ ખોલવામાં આવ્યા કે, પુજારીએ જોયું કે ભગવાનના મોં પર ખીચડી ચોંટેલી છે. પુજારીએ જ્યારે પુછ્યું તો ભગવાને કહ્યું કે, હું રોજ કર્માબાઈના ઘરે જઈને ખીચડી ખાઉં છું. પરંતુ આજે મોડું થયું. તમે મા કર્માબાઈને ઘરે જાઓ અને મહાત્મા તેમને ત્યાં રોકાયેલા છે, તેમને સમજાવો. પુજારીના સમજાવ્યા બાદ સંત કર્માબાઈના ઘરે ગયા અને તેમની પાસે જઈને કહ્યું કે, તમે જેમ પહેલા ખીચડી બનાવતા હતા, તેમ જ બનાવો. તમારા ભાવથી જ ઠાકોરજી ખીચડી ખાતા રહેશે. પછી એક દિવસ એવો આવ્યો કે, કર્માબાઈનું નિધન થયું. એ દિવસ પુજારીએ મંદિરના પટ ખોલ્યા તો જોયું કે ભગવાનની આંખમાં આંસૂ છે. પૂજારીએ પુછ્યું તો ભગવાને કહ્યું કે, હવે મને ખીચડી કોણ ખવડાવશે? ત્યારથી જ રોજ કર્માબાઈની યાદ સાથે ભગવાનને રોજ ખીચડીનો ભોગ ધરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here