ભારે વરસાદને પગલે રાજ્યના કેટલાક જિલ્લામાં પૂર આવતા તારાજી સર્જાઇ છે. જેમાં આંકલાવ તાલુકાના નદી કિનારે આવેલા ગામોમાં પૂરના પાણીએ ભારે તારાજી સર્જી હતી.મળતી માહિતી મુજબ પૂરમાં માનવમૃત્યુ સહિત અનેક પશુઓના પાણીમાં તણાઇ તેમજ ડૂબી જવાથી મોત થયા હતા.નદી કિનારે વસવાટ કરતાં લોકોને ભારે નુકશાની ભોગગવાનો વારો આવ્યો છે. વાત કરીએ આંકલાવના નદી કિનારાતો જેમાં મહી કિનારાના કહાનવાડી, બામણગામ,ઉમેટા, ખડોલ, સંખ્યાડ, આમરોલ, ચમારામાં પૂરનું પાણી ફરી વળતાં ભારે નુકશાન થયું છે. અનેક પરિવાર બેઘર થઈ ગયા હતા.
પૂરની તારાજી સર્જાયાના પાંચ દિવસ બાદ પુરના પાણી ઓસર્યા છે. પરંતુ ત્યાંનાં લોકોની હાલત ખૂબજ દયનીય બની છે.ત્યારે આશરે 300 જેટલા પરિવાર તો એવા છે કે અનાજ પલડી જતાં લોકોને ભૂખ્યા પેટે તેમજ ફૂડ પેકેટ પર નિર્ભર રહેવું પડે છે. અનાજ પલડી જતાં તેઓ પોતાનું એક સમયનું ભોજન પણ બનાવી શક્યા નથી.ઘરોમાં પાણી ઘૂસી જતાં પાણીના પ્રવાહમાં સરકારી ડોક્યુમેન્ટ્સ પણ પાણીમાં જતાં રહ્યા તેમજ પશુઓ તણાઇ ગયા અને હાલ કપડાં, અનાજ બધુ જ તાપમાં સુકવવા મજબૂર બન્યા છે
જોકે ત્યાં હાલ તંત્ર દ્વારા નુકશાનના સર્વેની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ બધામાંથી સહાય ક્યારે મળશે તેની સતત ચિંતા પીડિત પરિવારોને સતાવી રહી છે.