Home કોરોના પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ…

પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ…

130
0

પાટણ:૯ જાન્યુઆરી


કોરોના વાયરસની ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી હોવાના એધાણ દેખાઈ રહ્યા છે ત્યારે પાટણ જિલ્લામાં વાયરસના સંક્રમણ પર નિયંત્રણ આવે તે માટે લેવામાં આવેલા પગલા તથા સારવાર માટે ઉપલબ્ધ આરોગ્ય સુવિધાઓની પાટણ જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવ મમતા વર્માની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટીએ વહિવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થા અને આયોજનનો ચિતાર રજૂ કર્યો હતો.

જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા RTPCR ટેસ્ટિંગ, લેબ અને કોવિડના કેસોની માહિતી આપવા સાથે આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા ધન્વંતરી રથ, કોવિડ ફ્લુ ક્લિનિક, હાઉસ ટુ હાઉસ સરવે તથા હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને દવાના વિતરણ સહિતની વિગતો રજૂ કરવામાં આવી હતી. સાથે જ જિલ્લા કલેકટરે પાટણ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલ તથા સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલો ખાતે ઉપલબ્ધ ઓક્સિજન બેડ, PSA ઓક્સિજન પ્લાન્ટ તથા ICU બેડ સહિતની આરોગ્ય સુવિધાઓની વિગતો પ્રભારી મંત્રી તથા પ્રભારી સચિવના ધ્યાને મૂકી હતી.
આરોગ્ય સુવિધાઓની સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી કોવિડ માર્ગદર્શિકા તથા SOP અંતર્ગત કરવામાં આવેલી કામગીરી ઉપરાંત રસીકરણ તથા માસ્ક ડ્રાઇવ અંગે પણ જિલ્લા કલેક્ટરે વિસ્તૃત જાણકારી આપી હતી.આ બેઠકમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, યોગ્ય સંકલન દ્વારા ગ્રામ્ય કક્ષાએથી કોવિડના કેસોની માહિતી ઝડપથી મળે તથા તે ગામોમાં ધન્વંતરી રથની કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવે તે જરૂરી છે. જે જગ્યાએ લોકોની અવર-જવર વધારે હોય તેવા વિસ્તારોમાં ટેસ્ટીંગનું પ્રમાણ વધારવું જોઈએ.

પ્રભારી સચિવ મમતા વર્માએ જણાવ્યું કે, પાટણ શહેરી વિસ્તારમાં શરૂ કરવામાં આવેલા ફ્લુ ક્લિનિક જિલ્લાના અન્ય શહેરોમાં પણ શરૂ કરવા જોઈએ. કોરોના સંક્રમણની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ.


પ્રતિનિધિ પાટણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here