કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ટેક્સપેયર્સ માટે મોટી જાહેરાત કરી છે. જેનાથી મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત થવાની છે. આવકવેરામાં રાહત અંગે મોદી સરકારે મોટું પગલું ભર્યું છે. ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણના જણાવ્યા અનુસાર કેન્દ્રીય સરકારે મીડલ ક્લાસને અનેક ટેક્સ લાભ આપ્યા છે. જે હેઠળ દર વર્ષ 7.27 લાખ રૂપિયા સુધીની આવકવાળાઓએ કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. તેમણે કહ્યું કે સરકારે સમાજના કોઈ પણ વર્ગને બાકી રાખ્યો નથી. તેમણે કહ્યું કે જ્યારે વર્ષ 2023-24 ના કેન્દ્રીય બજેટમાં 7 લાખ રૂપિયાની આવક માટે આવકવેરાની છૂટનો નિર્ણય લેવાયો છે. ત્યારે કેટલાક લોકોને શક એ વાત પર હતો કે 7 લાખ રૂપિયાથી વધુની કમાણી હશે તો શું થશે. ત્યારબાદ બેઠક કરાઇ કે લોકો પ્રત્યેક એક રૂપિયા માટે કયા સ્તર પર ટેક્સની ચૂકવણી કરે છે. દાખલા તરીકે 7.27 લાખ રૂપિયા લો. હવે તમારે કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવાનો નથી. ફક્ત 27000 રૂપિયા પર જ બ્રેક ઈવન આવે છે. ત્યારબાદ તમે ટેક્સ આપવાનું શરૂ કરો છો.
નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે હવે તમારી પાસે 50,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ છે. ન્યૂ ટેક્સ રિજીમ હેઠળ એવી ફરિયાદ હતી કે કોઈ સ્ટાન્ડર્ડ ડિડક્શન નથી. તે હવે આપવામાં આવ્યું છે. અમે ચૂકવણીમાં સરળતા લાવ્યા છીએ. સરકારની ઉપલબ્ધિઓ વિશે બોલતા તેમણે કહ્યું કે સુક્ષ્મ, લઘુ અને મધ્ય ઉદ્યોગો (MSME) નું કુલ બજેટ 2013-14 ના 3185ની સરખામણીમાં 2023-24 માટે વધારીને 22138 કરોડ રૂપિયા થયું છે. તેમણે કહ્યું કે નવ વર્ષ દરમિયાન બજેટની ફાળવણીમાં લગભગ સાત ગણો વધારો થયો છે. આ MSME સેક્ટરને સશક્ત બનાવવા માટે સરકારની અતૂટ પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગો માટે જાહેર ખરીદ નીતિ યોજના હેઠળ 158 કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉદ્યમો દ્વારા કરાયેલી કુલ ખરીદીનો 33 ટકા MSME દ્વારા કરાયો છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.