અમદાવાદમાં હવે ચોમાસું બેસી ગયું એમ જ કહેવાય.. ત્યારે 27 જૂન મંગળવારના રોજ વરસાદી માહોલ વચ્ચે સાંજના સમયે લગભગ 1 કલાક સુધી ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. જે શહેરમાં સરેરાશ 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. જોકે કેટલાક વિસ્તારોમાં માત્ર છાંટા જ પડ્યા હતા. મ્યુનિસિપલના આંકડાં મુજબ જોધપુરમાં સૌથી વધુ સવા ઇંચ, મક્તમપુરામાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાણીપ, બોડકદેવમાં પોણો ઇંચ અને ઉસ્માનપુરા તેમજ પાલડીમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે આટલા સામાન્ય વરસાદમાં પણ આંબાવાડી, હેલમેટ સર્કલ, વિજય ચાર રસ્તા જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
સાંજના પીક અવર્સમાં નોકરી કરતાં લોકોના છૂટવાના સમયે જ વરસાદ પડતાં અનેક લોકો વરસાદમાં ફસાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ તો ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. સામાન્ય વરસાદમાં આવી જ પરિસ્થિતિ સર્જાતાં મ્યુનિ.ના પ્રિમોન્સૂન એક્શન પ્લાનની પોલ ખુલી ગઈ છે. હવે એકાદ-બે ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની વાત અમદાવાદીઓ માટે જાણે સામાન્ય બની ગઈ હોય તેમ મ્યુનિ.એ માની લીધું છે.
વરસાદની અસલ મજા માણતાં અમદાવાદીઓ …
શહેરમાં કેટલાક દિવસથી સામાન્ય વરસાદ તો આવે છે. જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુરુવારથી 1 જુલાઈ સુધી અમદાવાદમાં બે ઇંચથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે મંગળવારે દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહ્યા પછી સાંજે વરસાદ થતાં મહત્તમ તાપમાન 4.2 ડિગ્રી ગગડીને 32.6 ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન 1.5 ડિગ્રી ઘટી 25.6 ડિગ્રી નોંધાયું હતું.