Home ગોધરા જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને આયોજન અંગે,ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ…

જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને આયોજન અંગે,ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ…

125
0

ગોધરા:૭ જાન્યુઆરી


પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણનાં કેસોની સંખ્યા વધતા જિલ્લાના પ્રભારી સચિવ આરટીઓ કમિશનર રાજેશ માંજૂનાં અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ગોધરા ખાતે એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. પ્રભારી સચિવએ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ત્રીજી લહેર સંદર્ભે કરવામાં આવેલી પૂર્વ તૈયારીઓની વિગતવાર માહિતી મેળવતા સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. તેમણે જિલ્લામાં નવા કોરોના કેસોની સંખ્યા, સક્રિય કેસોની સંખ્યા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને સ્થિતિ, પોઝિટિવિટી રેટ, કેસો વધવાનો દર, વધુ કેસ ધરાવતા વિસ્તારો, સર્વેલન્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ, હોમ આઈસોલેશન, ક્વોરેન્ટાઇન સંદર્ભે કરવામાં આવી રહેલી કામગીરીની વિગતો મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મીનાક્ષી ચૌહાણ પાસેથી મેળવી હતી. કોરોના સંક્રમણની દ્વિતીય લહેરની સરખામણીએ ત્રીજી લહેરના સમયે સંભવિત દૈનિક કેસો, મહત્તમ સક્રિય કેસોની સંખ્યા, ઓક્સિજન બેડ અને ઓક્સિજનની જરૂરિયાત, આઈસીયુ અને વેન્ટિલેટર્સની સંભવિત જરૂરિયાત, દવાઓ, ટેસ્ટિંગ કીટ્સ, ડોક્ટર્સ-નર્સીસ-પેરામેડિકલ સ્ટાફ સહિતનાં માનવ સંસાધનો સહિતની પૂર્વ તૈયારીઓ અને વ્યવસ્થાપન મુદ્દે જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી. રાઠોડ સાથે ગહન ચર્ચા-વિમર્શ કરી જરૂરી માર્ગદર્શન-સૂચના આપ્યા હતા.

જીલ્લા માં નવા કેસો મળી આવ્યા છે ત્યાં ઝડપી અને અસરકારક કોન્ટેક્ટ ટ્રેસિંગ, સઘન સર્વે, આઈસોલેશન અને ક્વોરેન્ટાઈન માર્ગદર્શિકાનાં ચુસ્ત પાલન થકી સંક્રમણનાં ઝડપી ફેલાવાને રોકવાની દિશામાં કામગીરી કરવા તેમણે જણાવ્યું હતું. સંક્રમણનું વધુ જોખમ ધરાવતા વિસ્તારોને લક્ષ્ય બનાવી આ કામગીરી કરવા તેમણે જણાવ્યું હતું. ધન્વન્તરી રથો મારફતે રોગ પ્રતિકારક શક્તિવર્ધક આર્યુવેદિક ઉકાળા-હોમિયોપેથિક દવાઓનાં વિતરણ તેમજ ઓપીડીની કામગીરી કરવા તેમજ હોમ આઈસોલેશનના કિસ્સામાં સંક્રમિતોનાં ઓક્સિજન લેવલ સહિતના પેરામીટર્સ નિયમિત રીતે મેડિકલ ટીમ દ્વારા ચેક કરવામાં આવે, વિડીયો કોલ દ્વારા કાઉન્સેલિંગ કરવા માટે તેમણે સૂચના આપી હતી.

જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા માંજૂએ ડ્રોપ આઉટ વિદ્યાર્થીઓનાં રસીકરણ, આઈસોલેશન કરાવી શકાય તેવા સ્થળો અંગે આયોજન સંબંધી માર્ગદર્શક સૂચનાઓ સંબંધિત અધિકારીઓને આપી હતી. આ ઉપરાંત તેમણે જિલ્લામાં પીક સમયે ઓક્સિજનના સંભવિત મહત્તમ દૈનિક વપરાશ, તેની સામે કરવામાં આવેલું આયોજન, ઓક્સિજન સ્ટોરેજની સુવિધાઓ, જિલ્લામાં સ્થાપવામાં આવેલા પીએસએ પ્લાન્ટની સ્થિતિ, ઓક્સિજન કોન્સર્નટેટ્રર્સની સુવિધાઓ- વિતરણ વિશે માહિતી મેળવતા પ્લાન્ટસના મેઈન્ટેનન્સ સહિતની બાબતોને પણ આવરી લેવા સૂચના આપી હતી. કોરોનાની ત્રીજી લહેરને જરા પણ હળવાશથી ન લેવા સંબંધિત જાગરૂકતા પ્રજામાં ફેલાવવા માટે સામાજિક-ધાર્મિક આગેવાનો, અગ્રણીઓની મદદ લેવા તેમણે ઉમેર્યું હતું.

ઉલ્લેખનીય છે કે તૃતીય લહેરને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દૈનિક ધોરણે 500થી વધુ નવા કેસો આવે તેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. 1600થી વધુ ઓક્સિજન બેડ્સ, 80થી વધુ આઈસીયુ બેડ્સ, દૈનિક ધોરણે 4 હજારથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ્સની વ્યવસ્થા, દૈનિક 24 મેટ્રિક ટન ઓક્સિજન સપ્લાય સહિતની પૂર્વ તૈયારીઓ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. આ સમીક્ષા બેઠકમાં સિવિલ સર્જન ડો. મોના પંડ્યા, આરસીએચ ડો. પી.કે શ્રીવાસ્તવ સહિતનાં આરોગ્ય વિભાગનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અહેવાલ :કંદર્પ પંડ્યા ગોધરા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here