ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાથી કમોસમી વરસાદ તબાહી મચાવી રહ્યો છે. વરસાદને પગલે છેલ્લા એક વર્ષમાં ૨૫૦થી વધુ વ્યક્તિ જીવ ગુમાવી ચૂક્યા છે. આ પૈકી છેલ્લા બે મહિનામાં જ 52 મૃત્યુનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં આ વર્ષના પ્રારંભથી ભાગ્યે જ એવો કોઇ મહિનો હશે જેમાં કમોસમી વરસાદનું વિઘ્ન નડયું ના હોય. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી પ્રાપ્ત વિગત અનુસાર 31 માર્ચથી 31 મે દરમિયાન ગુજરાતમાંથી 52 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 61 વ્યક્તિને ઈજા થઇ છે. મોટાભાગના મૃત્યુ-ઈજા વીજળી પડવાથી થયા છે. આ સમયગાળામાં વરસાદથી 428 પશુઓએ જીવ ગુમાવ્યા છે જ્યારે 3825 મકાનને નુકસાન પહોંચ્યું છે. 4 જૂનના ગુજરાતના 131 તાલુકામાં વરસાદ પડયો હતો. જેમાં અંદાજે ૮ વ્યક્તિએ જીવ ગુમાવ્યા છે. આમ, જૂન મહિનાના પ્રથમ સપ્તાહને આધારે જોવામાં આવે તો વરસાદથી માનવ મૃત્યુઆંક 60થી વધી શકે છે.