15 જુલાઇ ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62 મો જન્મદિવસ. આજે મુખ્યમંત્રીએ 61 વર્ષ પૂર્ણ કરી 62 માં વર્ષમાં પ્રવેશ લીધો છે. દાદાના હુલામણા નામે ઓળખાતા અને સ્વભાવે મૃદુ તેમજ મક્કમ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના આગવા સ્વભાવના કારણે દરેકના પ્રિય છે. મેમનગર નગરપાલિકાના કાર્પોરેટર લઇ અન્ય હોદ્દા તેમજ રાજ્યના મુખ્યમંત્રી સુધીની તેઓની આ સફર રાજકીય રીતે અત્યંત બિન વિવાદાસ્પદ રહી છે. સતત હસતા ચહેરે જોવા મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કોઇ પણ વ્યકતિ મળે તો એટલુ ચોક્કસ કહી શકે કે તેમને મળ્યા પછી પોતાના સ્વજનને મળ્યા હોય એવો અનુભવ થયો. સપ્ટેમ્બર 2021 માં ગુજરાતના બદલાયેલા રાજકીય સમીકરણો અંતર્ગત તેઓએ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો. જે બાદ વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમની આગેવાનીમાં ભાજપે ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુ એવી 156 બેઠકો મેળવી ડંકો વગાડી દીધો. વહીવીટી કુશળતા અને અધિકારીઓ પાસે કામ લેવાની તેમની આવડતના કારણે આજે તેઓ વહીવટી અને રાજકીય રીતે સંપૂર્ણ પકડ જમાવી ચૂક્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર રજનીકાંત પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદ શહેરમાં થયો. કિશોર અવસ્થાથી જ સંઘ સાથે જોડાયેલ ભૂપેન્દ્ર પટેલે 1982માં અમદાવાદની સરકારી પોલિટેકનિકથી સિવિલ એન્જિયનિયરીંગમાં ડિપ્લોમાની ડિગ્રી મેળવી. સૌમ્ય સ્વભાવના ભૂપેન્દ્રભાઈનું બાળપણ દરિયાપુર વિસ્તારની કડવા પોળમાં વીત્યું હતું . 1988માં ભૂપેન્દ્રભાઈ બાંધકામ વ્યવસાય સાથે જોડાયા. આમ, તો વ્યવસાયે તેઓ બિલ્ડર પરંતુ પ્રજાલક્ષી કાર્યોને વાચા આપતાં-આપતાં નગરપાલિકાના સભ્ય બન્યા. તેમના રાજકીય જીવન પર નજર કરીએ તો … 1999-2000માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા , 2008થી 2010 દરમિયાન કોર્પોરેશનનના સ્કૂલ બોર્ડના વાઈસ ચેરમેન રહ્યા , વર્ષ 2010થી 2015 સુધી થલતેજ વોર્ડના કાઉન્સીલર રહ્યા , વર્ષ 2015 થી 2017 સુધી ઔડાના ચેરમેન પદે રહ્યા , AMCની સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે પણ સારી રીતે કામગીરી બજાવી , 2017માં ભુપેન્દ્રભાઈએ ઘાટલોડિયા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું. તેમજ પોતાના મતવિસ્તારમાં ‘દાદા’ના હુલામણા નામથી તેઓ ઓળખાય છે. પહેલી ચૂંટણીમાં 1,17,000 મતોની વિક્રમજનક સરસાઈથી જીત મેળવી અને 2017 થી ધારાસભ્ય બન્યા ત્યારથી જ પોતાના મતવિસ્તાર માટે સતત દોડતા રહેલા.
જોકે તેમના જીવનમાં અચાનક કિસ્મતના જોરે એક એવો વળાંક આવ્યો,કે જેનાથી ગુજરાતના રાજકીય આલમમાં ચર્ચાઓ શરુ થઇ ગઇ. 11 મી સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું અને 12 મી સપ્ટેમ્બર 2021ના રોજ ગાંધીનગર ખાતે વિધાનસભાની બેઠકમાં ભુપેન્દ્ર પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભાના નેતા અને મુખ્યમંત્રી તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને 13 સપ્ટેમ્બર 2021ના રોજ તેમણે પહેલીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની સફર શરૂ કરી અને કાર્યદક્ષતાને પગલે એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયો લઇ પ્રજાજનોમાં પ્રિય બનવા લાગ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ અનેક વખત જાહેરમાં ભૂપેન્દ્રભાઈના કાર્યશૈલીની પ્રશંસા કરી ચૂક્યા છે. આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લો પ્રોફાઈલ વ્યક્તિત્વની સાથે સાથે ખૂબ જ ધાર્મિક મનોવૃત્તિ ધરાવે છે. તેઓ દાદા ભગવાન પંથમાં ખુબ જ આસ્થા ધરાવે છે, તો સ્વામિનારાયણ સંપ્રદાયને પણ એટલું જ માન આપે છે. આવા ધાર્મિક મનોવૃત્તિ ધરાવતા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જન્મદિન નિમિત્તે ઝી 24 કલાક તરફથી મંગલમય શુભકામના… ત્યારે આજે જન્મદિનની શરૂઆત મુખ્યમંત્રીએ ત્રિમંદિરમાં દર્શન કરીને કરી હતી. સાથે જ ભાજપના કાર્યકરો નોટબુક, ફૂડપેકેટનું વિતરણ કરશે. તો સોલા સિવિલ ખાતે દર્દીઓને ફળ, તથા દર્દીઓના સગાઓને નિઃશુલ્ક ભોજન કરાવાશે. તેમના જન્મદિન નિમિત્તે 13 સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે. તેમજ 20 હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરાશે.
જૂન 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર દ્વારા ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ શરૂ કરવામાં આવી. 18 જૂન, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજનાનો શુભારંભ કરાયો. યોજના શરૂ કર્યાથી અત્યાર સુધીમાં (વર્ષ 2022-23) 3,38,000 માતા આ યોજનાનો લાભ લઇ ચૂકી છે. આ બાબતના મહત્વને સમજીને ભારત સરકારના ‘પોષણ અભિયાન’ અંતર્ગત માતા અને બાળકના આ 1000 દિવસ ઉપર ફોકસ કરવાનું જણાવાયું હતું. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આ 1000 દિવસ દરમિયાન સગર્ભા અને પ્રસૂતા માતાઓને પોષણયુક્ત આહાર પૂરો પાડવાના ઉદ્દેશથી ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ મંજૂર કરવામાં આવી. યોજના અંતર્ગત દરેક લાભાર્થીને દર મહિને આંગણવાડી કેન્દ્ર પરથી રાશન તરીકે 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર સીંગતેલ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. પોષણસુધા યોજના : 10 તાલુકામાં અમલી યોજનાનું વિસ્તરણ કરીને જૂન 2022માં રાજ્યના તમામ 14 આદિજાતિ જિલ્લામાં આ યોજના અમલી બનાવી. વર્ષ 2022-23માં દોઢ લાખથી વધુ મહિલા લાભાર્થીએ લાભ મેળવ્યો છે.
10 જૂન, 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે એસ્ટોલ પ્રોજેક્ટ જનતાને સમર્પિત કરાયો. જેના થકી વલસાડ જિલ્લાના પહાડી વિસ્તારોના અંતરિયાળ આદિવાસી વિસ્તારોના 174 ગામડા અને 1028 ફળિયામાં રહેનારા 4.50 લાખ લોકોને પાણીનો લાભ મળી રહ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં એસ્ટોલ પ્રોજેક્ટને પૂર્ણ કરવો એ રાજ્ય સરકાર માટે એક મોટો પડકાર હતો, પરંતુ એ તમામ પડકારોનો સામનો કરીને સફળતાપૂર્વક આ પ્રોજેક્ટ પૂર્ણ કરાયો. એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એસ્ટોલ પ્રોજેક્ટ એક મોટી ચમત્કારિક સિદ્ધિ છે. આ પ્રોજેક્ટ દ્વારા લગભગ 200 માળ (1875 ફીટ)ની ઉંચાઈ સુધી પાણીને ઉપર પહોંચાડ્યું છે.
કેન્દ્રની મોદી સરકારના સતત મળતા સહયોગથી, રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે નરેન્દ્ર મોદીના વિકાસ તરફી વિઝન, ચોક્કસ પ્લાનીંગ અને સૂઝના લીધે અત્યારે કચ્છ વિકાસના હાઇવે પર દોડી રહ્યું છે. શ્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના સમયમાં પણ કચ્છે રોડ રસ્તા, ઔદ્યોગિક ક્ષેત્ર, પર્યટન, શહેરી વિકાસ અને ખેતી ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે. પછાત જિલ્લાઓની યાદીમાં જેની ગણના થતી હતી તે જિલ્લો હવે નવા રંગરૂપમાં વિશ્વક્ષેત્રે ઓળખ બનાવી રહ્યો છે. આ જ્વલંત સફળતા પાછળ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો કચ્છ પ્રત્યેનો પ્રેમ અને દૂરંદેશી નેતૃત્વ કારણભૂત છે. તેમણે ભૂકંપ બાદ કચ્છના લોકોને હિંમત આપીને વિકાસ કામગીરીની આગેવાની હાથમાં લીધી હતી. શિક્ષણ, ઉદ્યોગ, પ્રવાસન, સુખ-સુવિધા, ખેતી, વિકાસ સહિતના તમામ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રીત કરી કચ્છને નવી જ ઉંચાઇ પર લાવીને મૂકી દેવાયું છે.