પાટણ : 11 ફેબ્રુઆરી
કોરોના સમયે પરપ્રાંતિયોને કોંગ્રેસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હોવાનો દોષારોપણ સાંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતા તેમના જૂઠાણાનો પર્દાફાશ કરી કોંગ્રેસ દ્વારા કોરોના કાળમાં કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિ ની માહિતી આપવા ગુરુવારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લા પંચાયત વિપક્ષના નેતા અશ્વિનભાઇ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે , સંસદમાં વડાપ્રધાન હળહળતું જુઠાણુ ફેલાવી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે . તેઓના દાવાને ફગાવી દઇ કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના કાળમાં જરુરીયાતમદો પાછળ રૂા .૨૭.૨૦ કરોડ ખર્ચવામાં આવ્યા છે જેમાં સ્થળાંતર કરનાર પરપ્રાંતિયોને રૂા .૨.૫ લાખની મદદ કરી છે . ૧.૫ લાખ શ્રમિકોને પરવાનગી મેળવવામાં મદદ કરી , બસ – ટ્રેન દ્વારા ૧ લાખ વ્યકિતઓને રૂ।.૫ કરોડની આર્થિક મદદ , રૂા .૯૦ કરોડના ખર્ચે ૨૬ લાખને રાંધેલા ખાવાની રાહત , ૩ લાખને રૂા .૧૨ કરોડના ખર્ચે રાશનકીટ્સ વિતરણ , ગુજરાતના ૬૮ ધારાસભ્યોએ રૂ।.૬.૮૦ કરોડ આપ્યા , રૂા .૯૦ લાખના ખર્ચે ૬ લાખ માસ્ક વિતરણ કરાયા , રૂ।.૨૦ લાખના ખર્ચે ૨૦૦૦ પી.પી.ઇ. કીટ્સ , ગુજરાતના દરેક જિલ્લામાં ખોલવામાં આવેલ ઇ – જનમિત્રમાં ૨૫ હજાર લોકોએ ફરીયાદો મોકલી હતી જયારે પીસીસી અને જિલ્લા , શહેરના કંટ્રોલ રૂમ દ્વારા ૪૯.૫૨ લાખ લોકોને સહાય આપવામાં આવી હતી .
પાટણ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ અને રૂા .૧૫ લાખનો ખર્ચ કરવામાં આવેલ જેમાં પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતિયોને તેમના વતન જવા માટે ટિકીટ ખર્ચ કરી પહોંચતા કરવામાં આવ્યા હોવાનું જણાવી અશ્વિન પટેલે ઉમેર્યું હતું કે , પાટણ જિલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ડો.કિરીટ પટેલ , ચંદનજી ઠાકોર અને રઘુભાઇ દેસાઇ દ્વારા પણ મદદ કરવામાં આવી હતી . જિલ્લામાં ત્રણ હજારથી વધુ રાશનકીટોનું વિતરણ કરાયુ હતું . રાધનપુરના ધારાસભ્ય રઘુભાઇએ ૪૦૦ થી વધુ પી.પી. કીટોનું વિતરણ કર્યું હતું . ભાજપ દ્વારા કોરોના મૃત્યુઆંક મામલે પણ જુઠાણુ ફેલાવવામાં આવી રહયું છે . પરંતુ કોરોના મૃતકના પરીવારને રૂા .૪ લાખની સહાય ચુકવવામાં નહી આવે ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા આંદોલન ચલાવવામાં આવશે . કોરોના કાળ દરમ્યાન માર્ચથી ઓગસ્ટ મહિના સુધી થયેલા તમામ મૃતકોને કોરોના સહાય ચુકવવા પણ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી .
આ પત્રકાર પરીષદમાં જિલ્લા પ્રમુખ શંકરજી ઠાકોર , શહેર પ્રમુખ ભરત ભાટીયા ઉપસ્થિત રહ્યા હતા .