કચ્છ : 15 ફેબ્રુઆરી
બીચ પર વોલીબેલ કે ફુટબોલ રમવાની વાત આવે એટલે વિદેશનો વિચાર આવે. પરંતુ 1600 કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં પણ હવે આ બિચ પર વિવિધ રમતો રમી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. ખાસ કરીને પ્રસિદ્ધ કચ્છના માંડવી બિચ પર દરિયાકાંઠે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં ખેલાડીઓએ ખેલદિલીથી ભાગ લીધો હતો. જેમાં વિજેતાઓ આગામી ઓલ ઇન્ડિયા બીચમાં ભાગ લઈ શકશે. અગાઉ પણ અલગ કહી શકાય એવી ક્રોસ ફીટ ઇવેન્ટનું કચ્છમાં પ્રથમ વખત આયોજન ઇન્વિન્સિબલ સ્પોર્ટ્સ એકેડમી તરફથી થયું હતું.
કચ્છના માંડવી ખાતે દરિયા કાંઠે 13મી ફેબ્રુઆરીના રોજ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં કચ્છ ઉપરાંત રાજ્યભરમાંથી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ખેલાડીઓ વચ્ચે બીચ વોલીબોલ, બીચ ફુટબોલ, બીચ કબડ્ડી, રસ્સા ખેંચ અને પાવર લિફ્ટીંગ જેવી રમતો રમાઇ હતી. સામાન્ય રીતે આ રમતો રાષ્ટ્રિય કે આંતરરાષ્ટ્રિય કક્ષાએ રમાતી હોય છે. તેમાંય બીચ પરની રમત એટલે વિદેશની રમત ગણાય છે. પરંતુ માંડવીના દરિયા કાંઠે પ્રથમ આ પાંચ રમતનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ રમતમાં વિવિધ ગ્રુપ કેટેગરી પ્રમાણે ટીમ બનાવવામાં આવી હતી. 12 વર્ષના ખેલાડીઓ અને માસ્ટર ખેલાડી જેમાં 35 વર્ષથી ઉપરના કહી શકાય તેમણે ભાગ લીધો હતો.
આ અંગે આયોજકોએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં લોકડાઉન દરમિયાન બાળકોને મોબાઇલ અને સોશ્યલ મિડિયાનું વળગણ લાગી ગયું છે. આ સ્થિતિમાં બધી રમતની જાગૃતિ કેમ લાવવી ? અને બાળકો મોબાઇલથી સમય કાઢીને રમત સુધી પહોંચે તેવા હેતુથી દરિયા કિનારે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અલબત્ત આ વિચાર ઇનવિન્સિબલના ફાઉન્ડર જુનેદ જે. જુનેજાને આવ્યો હતો અને તેમના આયોજન થકી સહઆયોજક તરીકે ગ્રોથ પેડલ, ઉમ્મીદ ફાઉન્ડેશન અને જે.પી. સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ જોડાયાં હતાં.