Home સુરેન્દ્રનગર ઉઘલ-બલદાણા ગામના હાઈવે પરના પ્રવેશદ્વાર સામે મંજૂર થયેલા બ્રિજને ફેરવવા પાછળનો માસ્ટર...

ઉઘલ-બલદાણા ગામના હાઈવે પરના પ્રવેશદ્વાર સામે મંજૂર થયેલા બ્રિજને ફેરવવા પાછળનો માસ્ટર માઈન્ડ કોણ?

170
0

સુરેન્દ્રનગર: ૧૮ જાન્યુઆરી


અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સિક્સલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જે ગામોના હાઈવે ઉપર પ્રવેશદ્વાર છે ત્યાંના લોકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં રાખી ગામોની સામે બ્રિજ બનાવવામાં આવ્યા છે. પરંતુ રાજકોટ હાઈવે પર આવેલા ઉઘલ અને બલદાણા ગામના પ્રવેશદ્વાર સામે બ્રિજ નહીં બનતાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે.
બલદાણા અને ઉઘલ ગામના પ્રવેશદ્વાર પર બ્રીજનું કામ હાથ નહીં ધરાતા અનેક ચર્ચાએ વેગ પકડી લીધો છે. બલદાણા, ગોમટા, ખારવા, વઢવાણ, ઉઘલ, બોરણા અને ચુડાના લોકોનું અવરજવર છે. બ્રિજ નહીં બનવાથી અકસ્માતનો ખતરો વધી જવાનો ભય વધી ગયો છે. બલદાણાના ગ્રામજનોએ રાજકોટ અને ગાંધીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની કચેરીઓમાં રજૂઆત કરી ઓવરબ્રીજ બનાવવા માગ કરી છે.

પહેલા ગ્રામજનોએ બ્રિજની જગ્યા ફેરફાર કરવા કહ્યું હવે ફરી તેઓ એ જ સ્થળે બ્રિજ બનાવવા માગ કરે છે : એમ.ડી.વીઠ્ઠલપુરા. ડે.ઈજનેર
આ અંગે લીંબડીની રાષ્ટ્રીય ધોરીમાર્ગ કચેરીના ડે.ઈજનેર એમ.ડી.વીઠ્ઠલપુરાએ જણાવ્યું હતું કે ઉઘલ અને બલદાણા ગ્રામ પંચાયતના લેટરપેડમાં સરપંચ, ઉપસરપંચ સહિત બન્ને ગામના ગ્રામજનોની સહિ કરી ઉઘલ-બલદાણાના પ્રવેશદ્વાર સામે બ્રિજ નહીં બનાવવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગની કચેરીથી લઈ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. મંજૂર થયેલા બ્રિજના સ્થળને ફેરફાર કરવા બન્ને ગામોના ગ્રામજનોએ કહ્યું હતું. હવે તેઓ ઉઘલ-બલદાણા ગામના પ્રવેશદ્વાર સામે બ્રિજ બનાવવા માગ કરી રહ્યા છે. કશું સમજાતું નથી. છતાં હવે તો સરકાર જ નિર્ણય લેશે કે બ્રિજ ક્યાં બનશે.
હોટલને કારણે પણ બ્રિજની જગ્યામાં ફેરફાર થયો હોય શકે ખરો : બલદાણાના ગ્રામજનો
ઉઘલ-બલદાણા ગામના હાઈ-વે પરના પ્રવેશદ્વાર સામે બ્રિજ મંજૂર થયો હતો. આ અંગે બલદાણાના ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમને વિશ્વાસમાં લઈ જે-તે સમયે બ્રિજની જગ્યામાં ફેરફાર કરવા સહિ લઈ લીધી હતી. જયાં બ્રિજ બનવાનો હતો ત્યાં મોટું રાજકીય પીઠબળ ધરાવતા વ્યક્તિઓએ કરોડો રૂપિયાના ખર્ચે હોટલ બનાવવાનાં પાયા નાખ્યાં ત્યારે અમને ખબર પડી કે અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. હવે જો આ જગ્યાએ બ્રિજ બને તો હોટલમાં લોકોની સંખ્યા ઓછી થાય જેની સીધી અસર આવક ઉપર પણ થાય. આ આખી રાજરમત હતી જેના અમે ગામના ભોળા લોકો ભોગ બન્યા પરંતુ હવે અમને એમની તમામ રમત સમજાય ગઈ છે. ગમે તે થાય પણ હવે તો ઓવરબ્રિજ ઉઘલ-બલદાણા ગામના પ્રવેશદ્વાર સામે જ બનશે.


અહેવાલ: સચિન પીઠવા સુરેન્દ્રનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here