આણંદ જિલ્લાના ૩પ૦ ઉપરાંત અને ખેડાના પ૧ર ગામો
ગુજરાતમાં તાલુકાદીઠ એક ગામ સ્માર્ટ વિલેજ બનાવવાના અભિગમ હેઠળ રાજય સરકારે સ્માર્ટ વિલેજ યોજના જાહેર કરી. જેમાં પ સ્માર્ટ વિલેજમાં આણંદ-ખેડા જિલ્લાની સાત ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. આ યોજનામાં પસંદ કરાયેલા ગામોના વિકાસ માટે ગ્રામ પંચાયત દીઠ રૂ .પ લાખની પુરસ્કારની રકમ આપવામાં આવશે.
સૂત્રો અનુસાર સ્માર્ટ વિલેજ ગ્રામ પંચાયતમાં ગામોની પસંદગી કરતા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા ભરેલ ફોર્મ અન્વયે તાલુકા કક્ષાની સમિતિ દ્વારા ગામની રુબરુ મુલાકાત લઇને પ્રાથમિક ચકાસણી કરી હતી. ત્યારબાદ ગુણ આપવા સાથે પોતાના અભિપ્રાય સાથેનો અહેવાલ જિલ્લાકક્ષાની સમિતિમાં મોકલ્યો હતો. જેના આધારે જિલ્લા સમિતિ દ્વારા મેરીટના બેઝ પર સ્માર્ટ વિલેજની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ૯૦ ટકા ગુણ મેળવનાર ગ્રામ પંચાયતોને થર્ડ પાર્ટી વેરીફીકેશન કરાવ્યા બાદ પુરસ્કારની રકમ જાહેર કરવામાં આવી છે. જેમાં આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકાની લીંગડા, આંકલાવની આસોદર, પેટલાદની નાર અને સોજીત્રા તાલુકાની રુણજ ગ્રામ પંચાયત તેમજ ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાની ઉત્તરસંડા, ગળતેશ્વરની અંઘાડી અને વસો તાલુકાની પીજ ગ્રામ પંચાયતને સ્માર્ટ વિલેજ જાહેર કરવામાં આવી છે.
વર્ષ ર૦રર-ર૩માં સ્માર્ટ વિલેજ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગ્રામ પંચાયતો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાં નિયત સમિતિ દ્વારા ૧૧ માપદંડો પરિપૂર્ણ થયા છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ગ્રામવાટિકા-બગીચો, ડોર ટુ ડોર કચરા કલેકશન, દરેક ઘરે પાણીનું કનેકશન, પંચાયત વેરા વસૂલાત, ઉકરડા સહિતની નિયમિત સફાઇ, સ્માર્ટ ઇ-ગ્રામ સેન્ટર, ગ્રામ પંચાયત કચેરી ઉપર સોલાર રૂફટોપ, ઓપન ડેફીકેશન ફ્રી વિલેજ, ગ્રામ પંચાયત દ્વારા લાઇટ બીલ ભરવામાં નિયમિતતા, ગામમાં ગટર અને ગામતળના પાકા રસ્તાનો સમાવેશ થાય છે.
સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક સ્પર્ધામાં ભાગ લેનાર ગ્રામ પંચાયત દ્વારા નિયત ૧૧ માપદંડો પૂર્ણ કરવામાં આવ્યા હોવાની કમિટી દ્વારા તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ ઓછામાં ઓછા ૯૦ માર્ક મેળવનાર ગ્રામ પંચાયતને મેરીટના આધારે જાહેર કરવામાં આવે છે. આણંદ જિલ્લામાં ૩પ૦થી વધુ તેમજ ખેડા જિલ્લામાં પ૧ર ગ્રામ પંચાયતો આવેલી છે. આમ, કુલ ૮૬ર ઉપરાંતની ગ્રામ પંચાયત ધરાવતા આણંદ-ખેડા જિલ્લામાંથી માત્ર ૭ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ માટે પસંદ થઇ હોવાથી અન્ય ગામોમાં માપદંડો પરિપૂર્ણ ન થયાની સ્થિતિ હોવાનું ચર્ચાય છે.