બિપોરજોય વાવાઝોડાએ સમગ્ર રાજ્યમાં ભારે તારાજી સર્જી છે. ત્યારે આણંદ જિલ્લામાં પણ બિપરજોય વાવાઝોડાની ગંભીર અસર વર્તાઇ છે. જિલ્લામાં ભારે પવન ફુંકાતા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ 280 જેટલા વીજ પોલ ધરાશાયી થઇ ગયા હતાં. જેના પગલે 15 ગામડાઓમાં વીજ પુરવઠો બંધ થઇ જતાં અંધારપટ છવાયો હતો. ત્યારે આ ગામોના 24 હજાર વીજધારકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. વાવાઝોડા સામે આણંદ જિલ્લાના વહીવટીતંત્ર ,પાલિકા, ફાયર, વીજ તંત્ર એલર્ટ કરાયું હતું. ત્યારે શુક્રવારે 280 જેટલા આણંદ શહેર સહિત જિલ્લામાં વીજ પોલ ધરાશાઇ થયા હતાં.
જિલ્લાના ખેતીવાડી વિસ્તારના 207 અને ભારે દબાણોના 79 વીજ પોલ અને 7 ડિપી ભોંય ભેગી થઇ ગઇ હતી. જોકે બોરસદના હરીપુરા, બદલપુર અને ખડોધી ગામે વીજ પોલ ધરાશાયી થતાં ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી શુક્રવારે રાત સુધીમાં 15 ગામોમાં વીજ પુરવઠો ચાલુ થઇ શકયો ન હતો.