Home આણંદ આણંદમાં આયુષ્માન કાર્ડના પરિણામે ઠાકોર પરિવારની દિકરીને નવજીવન મળ્યું… , આયુષ્માન કાર્ડ...

આણંદમાં આયુષ્માન કાર્ડના પરિણામે ઠાકોર પરિવારની દિકરીને નવજીવન મળ્યું… , આયુષ્માન કાર્ડ ગરીબ – મધ્યમ વર્ગના પરિવારો માટે આશિર્વાદ રૂપ…

167
0

કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા લોકોના આરોગ્યની સુખાકારી માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, ગુજરાતના જરૂરીયાતમંદ ગરીબ – મધ્યમ વર્ગીય લાખો પરિવારના લોકોએ સરકારની આ આરોગ્ય સેવાઓના લાભ થકી આરોગ્ય સુખાકારી પ્રાપ્ત કરી છે. આવા પરિવારો પૈકીનો એક પરિવાર છે આણંદ જિલ્લાના નાપા ગામના જયદીપભાઇ ઠાકોરનો પરિવાર. વલ્લભ વિદ્યાનગર GIDC માં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા જયદિપભાઈ ઠાકોર આયુષ્માન કાર્ડ ધરાવે છે. તેમના ઘરે આજથી 9 માસ પહેલા દિકરીનો જન્મ થયો. ત્યારે પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. પરંતુ તેમને કયાં ખબર હતી કે તેમની આ ખુશી ક્ષણિક હશે. દિકરી કિર્તીના જન્મ બાદ તેના પેટ અને છાતીનો ભાગ વધુ ઉછળતો હતો. પતિ-પત્નિ ચિંતામાં હતા. ડોકટરનો સંપર્ક કર્યો, ત્યારે ખબર પડી કે દિકરીને હૃદયમાં કાણું છે. આ વાત સાંભળતા જ પરિવારમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ હતી.

પરિવાર ઉપર આવી પડેલી દિકરીના આરોગ્ય રૂપી આફતના સમયે સરકારની યોજનાના લાભના કારણે દિકરીને મળેલા જીવનદાનની વાત વર્ણાવતાં જયદીપભાઇ જણાવે છે કે, દિકરીના હૃદયની સર્જરી માટે મેં ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી તો ઓપરેશન અને ત્યારબાદ દિકરીને આઈ.સી.યુ.માં રાખવા સહિતનો ખર્ચ અંદાજિત રૂપિયા ૩ લાખ જેટલો થાય તેવું જાણવા મળ્યું.  મારી અને મારા પિતાજીની બંનેની આવક ભેગી કરીએ તો પણ ૨૨,૦૦૦ થી વધુ આવક અમારી નથી. હું વિદ્યાનગર જી.આઇ.ડી.સી.માં નોકરી કરું છું, જ્યાં મારી માસિક આવક રૂપિયા ૭૦૦૦/- છે. જયારે મારા પિતાજી ટાઇલ્સ ફીટીંગનું કામ કરે છે. તેમને જો રોજ કામ મળે તો પણ તેમને ૧૫ હજાર રૂપિયાથી વધુ આવક નથી થતી. આવી પરિસ્થિતિમાં અમારા માટે દિકરીના ઓપરેશન માટે ૩ લાખ રૂપિયા જેટલી રકમ ખર્ચવી અશક્ય ન હતી. તેવા સમયે અમારી વ્હારે સરકાર આવી… તેમ જણાવતાં જયદિપભાઈ કહે છે કે, અમે આયુષ્માન કાર્ડ કઢાવ્યું હતું અને આ કાર્ડના કારણે એકપણ રૂપિયાના ખર્ચ વિના કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં મારી 9 માસની દિકરી કીર્તિના હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું, અને હાલમાં એ એકદમ તંદુરસ્ત છે.

અમારા જેવા ગરીબ – મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત – ભારત સરકારની આ યોજના આશિર્વાદ રૂપ છે. કેમ કે, ગરીબ પરિવારમાં માંદગી આવે તો તેની સારવાર માટે આટલી મોટી રકમ ખર્ચવી શક્ય જ નથી હોતી અને તેવા સમયે તેમને આયુષ્માન કાર્ડના કારણે વિનામૂલ્યે ઓપરેશન – સારવાર મળી રહે છે. તેમ જણાવતાં જયદિપભાઈ વધુમાં ઉમેરે છે કે, કરમસદ મેડિકલ ખાતે મારી દિકરીની ૪૫ દિવસ સારવાર કરવામાં આવી, તેમાંથી ૨૫ દિવસ તો તેને આઈ.સી.યુ. માં રાખવામાં આવી હતી. મારી પાસે આયુષ્માન હોવાને કારણે મારી દિકરીની સારવાર એકપણ રૂપિયાના ખર્ચ વિના થઈ ગઈ. આજે હું મારા સગા-સબંધીઓ અને મિત્રોને પણ કહું છું કે, જો તમારી આવક વધુ ના હોય તો વહેલામાં વહેલી તકે આયુષ્માન કાર્ડ કઢાવી લેજો. જીંદગીમાં માંદગી ક્યારે આવવાની છે તે ખબર નથી. પણ આયુષ્માન કાર્ડ હશે તો તમને સારામાં સારી હોસ્પિટલમાં સારવાર તદ્દન નિ:શુલ્ક મળી રહેશે.

ઉલ્લેખનિય છે કે, જયદિપભાઈની દિકરીના ઓપરેશન પહેલાથી લઈને ઓપરેશન બાદ જયારે દિકરીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તેઓ ઘરે આવ્યા ત્યાર બાદ સુધી બોરસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. ક્રિષ્ના ઠક્કર અને તેમની આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા સતત જયદિપભાઈના ઘરની મુલાકાત લઈ તેમને દિકરીના ઓપરેશનની કોઈ જ ચિંતા ન કરવા સાંત્વના આપવામાં આવી હતી. એટલું જ નહી પરંતુ આ માટે જયાં પણ જરૂર પડી ત્યાં મદદરૂપ બની સંદર્ભ કાર્ડ ભરવા સહિતની કામગીરી કરી જયદિપભાઈના પરિવાર ઉપર આવી પડેલી આવી વિકટ પરિસ્થિતિમાં સતત તેમના પડખે ઉભા રહીને સરકાર તેમની સાથે હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here