ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટી દ્વારા આયોજિત પાંચ દિવસીય ‘જ્ઞાનોત્સવ 3.0’ નું સમાપન 4 ફેબ્રુઆરીએ સફળતાપૂર્વક થયું હતું. આ જ્ઞાનોત્સવમાં વિવિધ ઝોન રાખવામાં આવ્યા હતા. જે મનોરંજન તેમજ જ્ઞાનથી ભરપૂર હતા. આ શૈક્ષણિક વાર્ષિક મહોત્સવ 31 જાન્યુઆરીથી 04 ફેબ્રુઆરી, 2025 દરમ્યાન શાસ્ત્રી મેદાન ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં આણંદ તેમજ આસપાસના વિસ્તારોના લગભગ 58,000 થી વધુ વિદ્યાર્થીઓ તેમજ મુલાકાતીઓએ હાજરી આપી હતી.
જ્ઞાનોત્સવમાં પ્રદર્શન, સ્પર્ધાઓ, કરિયર માર્ગદર્શન, હેન્ડ્સ-ઓન વર્કશોપ, ગમ્મત સાથે જ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, પ્રોડક્ટ શો-કેસ, કલા અને સંસ્કૃતિના કાર્યક્રમો, ફૂડ ઝોન, મૂટ કોર્ટ, સેલ્ફી ઝોન, ભાષા આધારિત રમતો, મનોવૈજ્ઞાનિક રમતો જેવા અનેક કાર્યક્રમો યોજાયા. પ્રદર્શનમાં વૈજ્ઞાનિક મોડલ્સ, ટેક્નોલોજીકલ અને ફાર્માસ્યુટિકલ મોડલ્સ, આર્કિટેક્ચરલ પ્રોજેક્ટ્સ, બાયોટેકનોલોજીકલ અને મનોવૈજ્ઞાનિક મોડલ્સ, તેમજ ગાણિતિક નમૂનાઓ રજૂ કરવામાં આવ્યા. 3D પઝલ, પોલિટિકસ એન્ડ ઇન્ટરનેશનલ રિલેશન્સ વિષય આધારિત ક્વિઝ જેવા વૈવિધ્યપૂર્ણ સ્ટોલ્સ રાખવામાં આવ્યા હતા.
હેન્ડ્સ-ઓન વર્કશોપમાં માટીકામ, સ્કેચિંગ, કેરિકેચર, બ્યુટી અને હાઇજિન પ્રોડક્ટસ મેકિંગ વગેરે જેવા વિષયોની તાલીમ આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સારવાર અને CPR, આયુર્વેદિક દવા પ્રદર્શન, BMI (બોડી માસ ઇંડેક્સ) તેમજ પોષણ મૂલ્યાંકન જેવી સેવાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
આ કાર્યક્રમના અંતિમ દિવસે યુનિવર્સિટીના હોદેદારોએ તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા શિક્ષકોની સાથે ફોટો સેશન કર્યું હતું તેમજ પ્રમાણપત્ર આપી અભિનંદન પાઠવ્યા હતા.